અમદાવાદ જિલ્લામાં બાગાયત ખાતાની વિવિધ સહાય લક્ષી યોજનાઓ હેઠળ પૂર્વ મંજૂરી મળેલ ખેડૂતોએ ખરીદી અંગેના બિલો 31 જાન્યુઆરી 2026 સુધી આઇ-ખેડૂત પોર્ટલ પર અપલોડ કરવા બાગાયત ખાતા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
વિવિધ સહાયલક્ષી યોજનાઓ
વર્ષ ૨૦૨૫-૨૬ માટે બાગાયત ખાતા દ્વારા અમલી વિવિધ સહાયલક્ષી યોજનાઓ અંતર્ગત જે ખેડૂતોએ પેકિંગ મટીરીયલ્સ, હાઇબ્રીડ શાકભાજી બિયારણ, છુટ્ટા ફૂલો તેમજ જામફળ, આંબા અને લીંબુ જેવા વિવિધ ફળ પાકોના વાવેતર માટે આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરી હતી અને તેમને પૂર્વ-મંજૂરી મળી ગઈ છે, તેઓએ નિયત સમયમર્યાદામાં પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. આ ઉપરાંત ટ્રેલીઝ મંડપ, કૃષિ યાંત્રીકરણ પ્રોત્સાહન, પ્લાસ્ટીક આવરણ, પ્લાસ્ટીક કેરેટ, વજનકાંટા, શાકભાજી પાકો માટે ક્રોપ કવર તેમજ વેલાવાળા શાકભાજી માટે ટીસ્યું કલ્ચરથી ઉત્પન્ન થયેલ પ્લાન્ટીંગ મટીરીયલ જેવા ઘટકોમાં પૂર્વ મંજૂરી મેળવનાર ખેડૂતોએ પણ આ સૂચનાનું પાલન કરવાનું રહેશે.













