ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટેની નોંધણી શરૂ થયા બાદ પોર્ટલ ક્રેશ થયું હતું. પોર્ટલ ક્રેશ થવા પાછળનું કારણ સ્પષ્ટ કરતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગત વર્ષે નોંધણી શરૂ થયા બાદ એક જ દિવસમાં 4500 VCE લૉગિન થયા હતા અને અંદાજે 59000 નોંધણી પૂર્ણ થઈ હતી.આ ટ્રેન્ડને ધ્યાને રાખીને ચાલુ વર્ષે પોર્ટલને 4500 VCE ઉપરાંત 30 ટકા વધારાની ક્ષમતા સાથે કાર્યરત કરવામાં આવ્યું હતું.
અત્યાર સુધીમાં 3 લાખથી વધુ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું
રાજ્યમાં ટેકાના ભાવે મગફળી અને જણસીમાં અત્યાર સુધીમાં 3 લાખથી વધુ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. મગફળી માટે 2.98 લાખ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જ્યારે 20 હજાર ખેડૂતોએ સોયાબિન માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ગત વર્ષ કરતાં આ વર્ષે ખેડૂતોના રજિસ્ટ્રેશનમાં વધારો થયો છે. સૌરાષ્ટ્રમાં મગફળી પકવતા ખેડૂતોએ મોટા પ્રમાણમાં રજિસ્ટ્રેશન કરાવ્યું છે.













