ગુજરાતમાં માવઠાને કારણે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરાઈ નહોતી. ત્યાર બાદ રાજ્ય સરકારે જાહેરાત કરી હતી કે, 9મી નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે. ખેડૂત દીઠ 125 મણ (2500 કિલો) મગફળીની ખરીદી કરવામાં આવશે. આ વખતે મગફળીનું વાવેતર તેમજ ખેડૂતોનું રજિસ્ટ્રેશન બંનેમાં વધારો થયો છે.


1.05 લાખ મેટ્રીક ટનથી વધુ મગફળીની ખરીદી

રાજ્ય સરકારે ખેડૂતોની ખેત પેદાશ ટેકાના ભાવે ખરીદવાની શરૂઆત કરી છે.આ સંદર્ભે તા.17 નવેમ્બર સુધીમાં રાજ્યના કુલ 253 કેન્દ્રો પરથી 45,790 કરતા વધુ ખેડૂતો પાસેથી રૂપિયા 769 કરોડથી વધુના મૂલ્યની અંદાજિત 1.05 લાખ મેટ્રિક ટનથી વધુ મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે. 14 નવેમ્બર સુધીમાં 19600 ખેડૂતો પાસેથી 45500 મેટ્રિક ટન મગફળીની ખરીદી કરવામાં આવી હતી.

પ્રતિ ક્વિન્ટલ 480 રૂપિયાનો ખેડૂતોને વધારો

રાજ્યમાં 9 લાખથી વધુ ખેડૂતોએ મગફળીના ટેકાના ભાવે વેચાણ માટે રજિસ્ટ્રેશન કરાવ્યુ છે. રાજ્ય સરકારે મગફળીનો ટેકાનો ભાવ 1400 રૂપિયા જાહેર કર્યો છે. રાજ્ય સરકારે ટેકાના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ 480 રૂપિયાનો ખેડૂતોને વધારો આપ્યો છે. કેન્દ્ર સરકારના ધારાધોરણ અને નિયમો પ્રમાણે જ ખરીદી કરવામાં આવશે અને ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે તે રીતે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 

  • Follow us on: