ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળ મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યમાં રવિ પાકોના વાવેતર અને રાજ્યમાં ખાતરની ઉપલબ્ધતાની સમીક્ષા કરવામાં આવી હતી.આ અંગે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે રાજ્યના ખેડૂતો પર આવી પડેલી કમોસમી વરસાદની અણધારી આફતના સમયે મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે તેમના પડખે અડીખમ ઊભા રહીને કુલ રૂ.11 હજાર કરોડના કૃષિ રાહત પેકેજ તેમજ 15000 કરોડના મૂલ્યની ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદી કરવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો હતો.જેના પરિણામે સહાય મળતા આજે ખેડૂત ફરી એકવાર બેઠો થયો છે.

ખેડૂતોએ પુષ્કળ માત્રામાં રવિ પાકોનું વાવેતર કર્યું

પ્રવક્તા મંત્રીએ કહ્યું હતું કે, ખેડૂતોને થયેલા નુકસાન બાદ રવિ સિઝનમાં વાવેતર ઘટવા અંગે અનેક ચર્ચાઓ હતી, પરંતુ રાજ્ય સરકારે જાહેર કરેલી સહાયની મદદથી ખેડૂતોએ પુષ્કળ માત્રામાં રવિ પાકોનું વાવેતર કર્યું છે.ગત વર્ષે આ સમયગાળા દરમિયાન રાજ્યમાં કુલ ૩૭.૧૫ લાખ હેક્ટર વિસ્તારમાં રવિ પાકોનું વાવેતર નોંધાયું હતું, જેની સામે ચાલુ સિઝન દરમિયાન અત્યાર સુધીમાં કુલ ૩૭.૫૨ લાખ હેક્ટર વિસ્તારમાં રવિ પાકોનું વાવેતર થયું છે, જે ગત વર્ષ કરતા ૩૭,૦૦૦ હેક્ટર વધુ છે.રાજ્યમાં અત્યાર સુધીમાં ઘઉંનું ૧૦.૮૩ લાખ હેક્ટર, ચણાનું ૭.૧૦ લાખ હેક્ટર, તેલીબિયાં પાકનું ૨.૬૬ લાખ હેક્ટર, મસાલા પાકોનું ૩.૨૪ લાખ હેક્ટર અને બટાટા પાકનું કુલ ૧.૫૯ લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર નોંધાયું છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે બટાટા પાકના વાવેતરમાં ૨૧ ટકાની વૃદ્ધિ થઈ છે.

વાવેતર સમયે DAP પ્રાથમિક જરૂરિયાત હોય છે

મંત્રી જીતુ વાઘાણીએ ખાતરની ઉપલબ્ધતા અંગે જણાવ્યું હતું કે,રવિ સિઝન દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં અત્યાર સુધીમાં કુલ ૫,૯૯,૪૦૫ મેટ્રિક ટન યુરિયા અને ૧,૭૫,૩૯૪ મેટ્રિક ટન DAP સપ્લાય કરવામાં આવ્યું છે.ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ૭૨,૪૫૦ મેટ્રિક ટન યુરિયા વધુ સપ્લાય કરવામાં આવ્યું છે. વાવેતર સમયે DAP પ્રાથમિક જરૂરિયાત હોય છે અને રાજ્યમાં DAPના કુલ વિતરણના આંકડા પરથી ચોક્કસપણે કહી શકાય કે રાજ્યમાં રવિ પાકોનું પુષ્કળ વાવેતર થયું છે. માત્ર ડિસેમ્બર મહિનાના પ્રથમ ૧૫ દિવસમાં જ કુલ ૧,૭૯,૧૨૫ મેટ્રિક ટન યુરિયા વિવિધ જિલ્લામાં સપ્લાય કરવામાં આવ્યું છે. ખેડૂતોની જરૂરિયાતને ધ્યાને લઈને આગામી ૧૫ દિવસમાં વધુ ૧,૪૧,૮૭૫ મેટ્રિક ટન યુરિયા સપ્લાય કરવાનું રાજ્ય સરકારે આયોજન કર્યું છે. રાજ્યમાં હાલની સ્થિતિએ યુરિયા, DAP, NPK અને MOP મળીને કુલ ૩,૪૦,૬૯૬ મેટ્રિક ટન ખાતરનો જથ્થો ઉપલબ્ધ છે.


આ પણ વાંચોઃ Gandhinagar News: માવઠાથી અસરગ્રસ્ત 17.92 લાખ ખેડૂતોને 5330 કરોડથી વધુ સહાય ચૂકવાઈ, 26.60 લાખ અરજીઓ મંજૂર