મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી.આ બેઠકમાં ઓક્ટોબર-૨૦૨૫ના છેલ્લા એક અઠવાડિયામાં વરસેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને થયેલા નુકસાન તેમજ ખેડૂતોને ફરી બેઠો કરવા માટે આર્થિક નુકશાનીમાં સહાયરૂપ થવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં થયેલી ચર્ચા અંગે પ્રેસ-મીડિયાના મિત્રોને માહિતી આપતા રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે,ગત તા.23 થી28 ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં 33 જિલ્લાના 239 તાલુકામાં સમાન્યથી અતિભારે વરસાદ વરસ્યો હતો.જેમાં હાલના તબક્કે આશરે 10 લાખ હેકટરથી વધુ વિસ્તારમાં નુકશાન થયું હોવાનો પ્રાથમિક અંદાજ છે.
ટેક્નોલોજીકલ સર્વે ઉપરાંત ભૌતિક સર્વે પણ હાથ ધરાશે
મંત્રી વાઘાણીએ કહ્યું હતું કે, બેઠકમાં મુખ્યમંત્રીઅને નાયબ મુખ્યમંત્રીએ રાજ્યના ખેડૂતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી તેમજ કમોસમી વરસાદથી અસરગ્રસ્ત જિલ્લામાં તાત્કાલિક ધોરણે SDRFના ધારાધોરણો મુજબ સર્વે શરૂ કરીને, તેને સાત દિવસમાં પૂર્ણ કરવા સૂચનાઓ આપી છે. પ્રવક્તા મંત્રીએ આ અંગે જણાવ્યું હતું કે,ખેડૂતોને ઝડપથી સહાય પૂરી પાડવાના આશય સાથે અદ્યતન ટેકનોલોજી - કૃષિ પ્રગતિના માધ્યમથી ઝડપથી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે. ટેક્નોલોજીકલ સર્વે ઉપરાંત ભૌતિક સર્વે પણ હાથ ધરવામાં આવશે, જેથી રાજ્યનો કોઈપણ અસરગ્રસ્ત ખેડૂત સહાયથી વંચિત ન રહી જાય.













