હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ આગામી તા. ૨૧ માર્ચ, ૨૦૨૬ સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. મુખ્યત્વે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, જામનગર, મોરબી, કચ્છ, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની શક્યતા છે.આ બદલાયેલા હવામાનને ધ્યાને રાખીને ખેડૂતોના તૈયાર થયેલા અને ખેતરમાં ઉભેલા પાકને નુકસાનથી બચાવવા માટે રાજ્યના કૃષિ વિભાગ દ્વારા અગાઉથી જ સાવચેતીના પગલાં સૂચવતી વિશેષ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે.
સોશિયલ મીડિયાના માધ્યમથી સાવચેતી રાખવાની માહિતી
આ ઉપરાંત રાજ્યના ખેડૂતોને કૃષિ પ્રગતિ એપ્લિકેશન અને સોશિયલ મીડિયાના માધ્યમથી સાવચેતી રાખવાની માહિતી આપવામાં આવી રહી છે.કૃષિ વિભાગે રાજ્યના ખેડૂતોને અનુરોધ કર્યો છે કે, હજુ પણ જે ખેડૂતોએ પોતાના પાક કે ઉપજને સુરક્ષિત રાખવા માટેના સાવચેતીના પગલાં નથી લીધા, તે સત્વરે આ માર્ગદર્શિકાને ધ્યાને લઈને પોતાના પાકને સુરક્ષિત રાખવા માટેની તકેદારી રાખે, જેથી તેમના મહામૂલા પાકને નુકશાનથી બચાવી શકાય.વધુ જાણકારી કે માર્ગદર્શન માટે ખેડૂતોએ પોતાના વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી અથવા તાલુકા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવો. આ ઉપરાંત કિસાન કોલ સેન્ટરના ટોલ-ફ્રી નંબર ૧૮૦૦ ૧૮૦ ૧૫૫૧ પર પણ સંપર્ક કરી શકાશે.
