ગુજરાતમાં ચોમાસું અને ત્યાર બાદ થયેલા માવઠાને કારણે પાકને ભારે નુકસાન પહોંચ્યું હતું. ખેડૂતોનો તૈયાર પાક ભારે વરસાદને કારણે નિષ્ફળ ગયો હતો. રાજ્ય સરકારે સરવે કરાવી ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કર્યું હતું. પરંતુ ખેડૂતોના માથે આવેલી આફત જાણે દૂર થવાનું જ નામ ના લેતી હોય તેમ જોવા મળ્યું છે. બાગાયતી સહિતના પાકનો બજાર ભાવ નહીં મળતાં ખેડૂતો નારાજ થયાં છે. પોતાના ખેતરમાં તૈયાર થયેલા પાકને જાતે જ નષ્ટ કરીને આક્રોશ ઠાલવી રહ્યાં છે.
15 વિઘામાં કેળાના પાક પર જેસીબી મશીન ફેરવી દીધું
ભાવનગરમાં કેળાના તૈયાર પાકનો ભાવ નહીં મળતાં ખેડૂતો રોષે ભરાયા હતાં. અલંગ અને સોસિયા ગામના ખેડૂતોને કેળાનો પાક માથે પડ્યો હોય તેમ એક મણનો ભાવ માત્ર 60 કે 70 રૂપિયા જેટલો જ મળતો હતો. બજારમાં કેળાના ભાવ ગગડી જતાં ખેડૂતો નારાજ થયા હતાં. ખેડૂતોને પાકનો ઉત્પાદન ખર્ચ પણ મોંઘો પડતાં રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો. ખેડૂતોએ ત્રાહિમામ થઈને 15 વિઘામાં કેળાના પાક પર જેસીબી મશીન ફેરવી દીધું હતું.













