પ્રાકૃતિક કૃષિના વ્યાપને વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક કૃષિ જન અભિયાન ચલાવામાં આવી રહ્યું છે. છેવાડાના ગામના પ્રત્યેક ખેડૂત પ્રાકૃતિક ખેતીથી થતાં ફાયદાઓથી અવગત થઈ શકે તેના માટે સરકાર પ્રયત્નો કરી રહી છે. મોટાભાગના ખેડૂતો હવે રાસાયણિક ખેતીથી થતા નુકસાનથી જાગૃત થઈ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યાં છે. હાલ કચ્છ જિલ્લામાં પણ મોટી સંખ્યામાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાયા છે. ત્યારે માંડવી તાલુકાના રતડિયા મોટા ગામના ખેડૂત રવજીભાઈ અરજણભાઈ પટેલ પોતાની કુલ જમીનમાંથી ૫ એકર જમીન પર પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી વિવિધ પાકોનું વાવેતર કરી ગુણવત્તાયુક્ત ઉત્પાદન સાથે બમણી આવક મેળવી રહ્યા છે.
રાસાયણિક ખેતી દ્વારા પાકને વધુ પિયતની જરૂર
ખેડૂત રવજીભાઈ પટેલ જણાવે છે કે,તેઓ પરંપરાગત રીતે કપાસ, મગફળી, ઘઉં તથા કઠોળ જેવા પાકોનું વાવેતર કરતાં હતાં, ત્યારે તેમાં રાસાયણિક ખાતર અને દવાઓનો વધુ માત્રામાં ઉપયોગ કરતા હતાં.રાસાયણિક ખેતી પદ્ધતિથી મને ઘણું નુકસાન ભોગવવું પડ્યું છે. જેમાં દવાઓ અને ખાતરનો ખર્ચો તથા મજૂરી ખર્ચ પણ વધુ થાય છે. જમીનનું બંધારણ બગડે છે,જમીનમાં ક્ષારનું પ્રમાણ વધે છે જેથી પાકની ગુણવત્તામાં ઘટાડો થાય છે. રાસાયણિક ખેતી દ્વારા પાકને વધુ પિયતની જરૂર પડે છે તેમજ નિંદણ પણ વધારે ઊગી નીકળે છે.ખેતીમાં જંતુનાશકો અને યુરિયાનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરીને ખેડૂતો જમીનને બિનઉપજાઉ બનાવી રહ્યા છે. રાસાયણિક ખેતીથી પીવાના પાણીમાં પણ પ્રદૂષણ વધી રહ્યું છે. આમાંથી બચવાનો એકમાત્ર ઉપાય એ છે કે ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ,ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગ સાથે જોડાવવું જોઈએ.













