રાજ્યમાં આ વર્ષે કમોસમી વરસાદે ખેડૂતોની દશા બેસાડી દીધી છે. વરસાદના કારણે ખેડૂતોને પારવાર મુશ્કેલી સહન કરવાનો વારો આ વર્ષે આવ્યો છે અને ઉપરથી સરકાર દ્વારા પાક નુકસાનીનો સર્વે કરીને પૈસા પણ ખુબ જ મોડા ખેડૂતોને આપવામાં આવે છે, ત્યારે ખેડૂતોને ખાવું શું તે પણ એક મોટો પ્રશ્ન છે. બીજી તરફ કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને પણ રોગ થાય છે અને પરિણામે પાક નિષ્ફળ જાય છે.


પાકમાં રોગ નિયંત્રણ માટે શું કરવું?

  • કમોસમી વરસાદના સમયગાળા પૂરતો જંતુનાશક દવાનો ઉપયોગ ટાળવો.
  • ઝાળ (ઓલ્ટરનેરિયા બ્લાઇટ) અને પાનના ટપકાના રોગની શરૂઆત જણાતા વરસાદ બંધ થયેથી મેન્કોઝેબ 0.25% પ્રમાણે 25 ગ્રામ પ્રતિ 10 લિટર પાણીમાં ઓગાળી 15 દિવસના અંતરે બેથી ત્રણ છંટકાવ કરવા.
  • ગ્રે મોલ્ડ રોગની શરૂઆત જણાતા વરસાદ બંધ થયેથી પ્રોપીકોનાજોલ 10 મિ.લિ. પ્રતિ 10 લિટર અથવા કાર્બેન્ડેઝીમ 10 ગ્રામ પ્રતિ 10 લિટર પાણીમાં ઓગાળીને છંટકાવ કરવો.
  • પાકમાં સ્થાનિક રોગ-જીવાતનો વધુ ઉપદ્રવ જણાયેથી ભલામણ કરેલ રાસાયણિક જંતુનાશક/ફૂગનાશક દવાઓનો જરૂરીયાત તેમજ ભલામણ મુજબ ઉપયોગ કરવો.
  • જંતુનાશક દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે અને જે તે રોગ/જીવાત માટેની દવાનો ઉપયોગ ભલામણ મુજબ સંકલિત જીવાત વ્યવસ્થાપનના ભાગરૂપે તબક્કાવાર અનુસરવો.

સરકાર ખેડૂતોની પડખે: મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં રાજ્યમાં થયેલા કમોસમી વરસાદ અને વાતાવરણમાં આવેલા પલટાને કારણે ખેતી પાકોને થયેલા નુકસાન અંગે સંપૂર્ણ સંવેદનશીલતા દાખવીને ધરતીપુત્રોની આપદાના આ સમયે તેમની પડખે ઉભા રહેવાના દિશાનિર્દેશો આપ્યા છે. રાજ્યમાં આ વર્ષે અસાધારણ સંજોગોમાં આ કમોસમી વરસાદ થયો છે. તેના પરિણામે ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન થયું છે, ત્યારે રાજ્ય સરકાર સંપૂર્ણ કિસાન હિત લક્ષી અભિગમથી ખેડૂતોની સહાયતા માટેની નેમ રાખે છે. એટલું જ નહિં, રાજ્યમાં પાછલા બે દાયકાઓથી વધુના સમયમાં આવો કમોસમી વરસાદ થયો નથી તેવા સંજોગોમાં આ વર્ષના આવા વરસાદથી ખેડૂતોને જે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, તેની ત્વરાએ સમીક્ષા કરીને ધરતીપુત્રોને ઉદારતમ મદદ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની રાજ્ય સરકાર સંપુર્ણ પ્રતિબદ્ધ છે.  

  • Follow us on: