આગામી ચોમાસુ સીઝનને ધ્યાનમાં રાખીને ખેતીવાડી વિભાગ દ્વારા તાપી જિલ્લાના ખેડૂતોને બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી સમયે ખાસ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. ખેડૂતો માત્ર અધિકૃત લાયસન્સ અથવા પરવાનો ધરાવતા સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અને ખાનગી વિક્રેતાઓ પાસેથી જ કૃષિ ઈનપુટ્સની ખરીદી કરે.

આવી જગ્યાઓથી ખેડૂતો ખરીદી ના કરે

લાયસન્સ વિના કાર્યરત વ્યક્તિઓ, પેઢીઓ અથવા ફેરીયાઓ પાસેથી ખરીદી કરવાથી છેતરપિંડી થવાની શક્યતા રહે છે. તેથી ખેડૂતોને આવી જગ્યાઓથી ખરીદી ન કરવાની સલાહ આપવામાં આવી છે. ખરીદી દરમિયાન વેપારી પાસેથી લાયસન્સ નંબર, સંપૂર્ણ નામ-સરનામું, ખરીદેલ સામગ્રીનું નામ, લોટ નંબર સહિતની વિગતો દર્શાવતું પાકું બિલ સહી સાથે અવશ્ય લેવા પણ જણાવાયું છે. સાથે જ મુદત પૂર્ણ થયેલા બિયારણ, ખાતર અથવા જંતુનાશક દવાઓની ખરીદીથી દૂર રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

ભળતા નામથી વેચાણ થતાં બિયારણથી સાવચેત રહેવું

આ સાથે ખેડૂતોને વૈજ્ઞાનિક ભલામણ મુજબ જ બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવા તેમજ જો ક્યાંય અનઅધિકૃત અથવા ભળતા નામથી અમાન્ય કૃષિ ઈનપુટ્સનું વેચાણ થતું જણાય તો જિલ્લા ખેતીવાડી અધિકારી અથવા જિલ્લાના નાયબ ખેતી નિયામકને તાત્કાલિક જાણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Natural Farming : સીતાફળનું ઓછા ખર્ચે અને ઓછા પાણીમાં વધુ ઉત્પાદન કેવી રીતે મેળવવું?