કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ગાંધીનગર જિલ્લાના શેરથા ગામથી રાજ્યવ્યાપી ખેત બચાવો અભિયાનની શરૂઆત કરાવી હતી.આ અભિયાન સમગ્ર રાજ્યમાં 1 જૂનથી 30 જૂન 2026 દરમિયાન યોજાશે.આ યોજના અંતર્ગત રાજ્યભરના કૃષિ વૈજ્ઞાનિકો, કૃષિ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ગામે-ગામ જઈને ખેડૂતોને ‘ખેત બચાવો અભિયાન’ વિશે વિગતવાર માહિતગાર કરશે.

ભવિષ્યની પેઢીને સુરક્ષિત કરવાનો એક ભગીરથ પ્રયાસ

કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ખેડૂતો અને પશુપાલકોને સંબોધતા જણાવ્યું હતું કે,ખેતી એ આપણા પૂર્વજોનો વારસો અને આપણો આત્મા છે.જો આજે આપણી ખેતીની જમીનને નહીં બચાવીએ તો આવતીકાલે માનવજાત પણ નહીં બચે.આ અભિયાન માત્ર સરકારનો કાર્યક્રમ નથી, પરંતુ આપણી ભવિષ્યની પેઢીને સુરક્ષિત કરવાનો એક ભગીરથ પ્રયાસ છે.ડી.એ.પી. અને યુરિયા જેવાં રાસાયણિક ખાતરો તેમજ જંતુનાશક દવાઓના અતિરેક ઉપયોગને કારણે ધીરે-ધીરે જમીનની ફળદ્રુપતા નાશ પામી રહી છે. જમીનના માધ્યમથી આ રાસાયણિક તત્વો પશુઓ અને માતાના દૂધ સુધી પહોંચી ગયાં છે, જેને કારણે નિર્દોષ બાળકો ગંભીર રોગોનો પણ ભોગ બની રહ્યાં છે.

કેન્સર જેવા અસાધ્ય રોગોના કેસ વધી રહ્યા છે

તેમણે ઉમેર્યું હતું કે, આજે કેન્સર જેવા અસાધ્ય રોગોના કેસ વધી રહ્યા છે, જેનું મુખ્ય કારણ આપણી દૂષિત ખાણી-પીણી છે. ૫૦ વર્ષ પહેલાં આપણા વડીલોને કોઈ રોગ નહોતા, જ્યારે આજે નાની ઉંમરે જ લોકો બ્લડપ્રેસર, સુગર અને કિડનીની બીમારીઓથી પીડાઈ રહ્યા છે.જો 100 ટકા શક્ય ન હોય તો શરૂઆતમાં પોતાની જમીનના ૨૫ ટકા ભાગમાં પ્રાકૃતિક ખેતીનો પ્રયોગ અવશ્ય કરવો જોઈએ.પ્રાકૃતિક ખેતીથી ફાયદો જણાયા બાદ જ બીજી જમીનમાં આ પદ્ધતિ અપનાવવી જોઈએ. ગુજરાતમાં અત્યાર સુધીમાં 8 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી ચૂક્યા છે અને ચાલુ વર્ષે વધુ 5 લાખ ખેડૂતોને આ અભિયાન સાથે જોડવાનો રાજ્ય સરકારનો સંકલ્પ છે. આ ઉપરાંત, કૃષિ વિભાગની ટીમ દ્વારા અત્યાર સુધીમાં અંદાજે 20 લાખ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમ પણ આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ Jamnagar News: બાયપાસ પાસે 'ચાચા ભતીજા' રેસ્ટોરન્ટના કિચનમાં લાગી ભીષણ આગ