રાજ્ય સરકારે ખેડૂતોના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણી, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકી તથા કિસાન સંઘના પ્રતિનિધિઓ વચ્ચે યોજાયેલી એક ઉચ્ચ સ્તરીય બેઠક બાદ બાજરી, મકાઈ અને જુવારની પ્રતિ ખેડૂત ખરીદી મર્યાદામાં માતબર વધારો જાહેર કરાયો છે.
ખેડૂતો માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય
કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ નિર્ણયની જાહેરાત કરતા જણાવ્યું હતું કે,રાજ્યના ખેડૂતોની રજૂઆતોને હકારાત્મક વાચા આપતા રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે.બાજરીની ખરીદી મર્યાદા અગાઉ જે 2000 કિલો (100 મણ) હતી. તેને વધારીને હવે 3500કિલો (175 મણ) પ્રતિ ખેડૂત કરવામાં આવી છે.મકાઈની ખરીદી મર્યાદા પણ 1500 કિલો (75મણ)થી વધારીને હવે 2500 કિલો (125મણ) અને જુવારની ખરીદી મર્યાદા 1000 કિલો (50 મણ)થી વધારીને ખેડૂત દીઠ 1700 કિલો (85 મણ) કરી છે. રાજ્ય સરકારે બાજરીમાં 1500 કિલો (75 મણ), મકાઈમાં 1000 કિલો (50 મણ) તેમજ જુવારમાં 700 કિલો (35 મણ)નો વધારો કર્યો છે.













