જૂનાગઢ શાકભાજી માર્કેટિંગ યાર્ડના શાકભાજી અને ફળફળાદી સબ યાર્ડમાં મોટન ફ્રૂટ કંપની દ્વારા બેંગ્લોરથી મંગાવવામાં આવેલી તોતા કેરીના ૧૦૦ કેરેટ તેમજ લાલબાગ કેરીના ૫૦ કેરેટની તાજી આવક નોંધાઈ છે. તોતા કેરીનો અંદાજિત ભાવ રૂ. ૯૦થી ૧૦૦ પ્રતિ કિલો છે, જ્યારે પ્રીમિયમ લાલબાગ કેરીનો ભાવ રૂ. ૧૬૦થી ૧૭૦ પ્રતિ કિલો નોંધાયો હતો.


આ કેરીની હરાજી કરવામાં આવશે નહીં

વેપારીઓએ સ્પષ્ટ કર્યું હતું કે આ કેરીની હરાજી કરવામાં આવશે નહીં, ફક્ત તેમના નિયમિત ગ્રાહકોને જ નક્કી ભાવે સીધું વેચાણ કરાશે. જૂનાગઢને કેસર કેરીના રાજા તરીકે ઓળખવામાં આવે છે. ગિરનારની તળેટીમાં આવેલા વિશાળ કેરીના બગીચા વિશ્વભરમાં પોતાની મીઠાશ અને સુગંધ માટે પ્રખ્યાત છે. પરંતુ હજુ વિધિવત શિયાળો પણ શરૂ થયો નથી ત્યાં જ આ વર્ષે કેરીની આવકની શરૂઆત થઈ ગઈ છે, જે આબોહવા પરિવર્તનના સંકેત તરીકે જોવાઈ રહી છે.

લાલબાગ કેરી તેની રસાળતા અને પ્રીમિયમ ગુણવત્તા માટે પસંદ કરવામાં આવે છે

સ્થાનિક સૂત્રોના અહેવાલ મુજબ, જૂનાગઢના ભેંસાણ વિસ્તારમાં કેસર કેરીના બગીચામાં પણ ફૂલોનું મોર ખીલવાની અને કેરી આવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ અસામાન્ય ઋતુચક્રથી ખેડૂતોમાં ચિંતા સાથે ઉત્સાહ છે. આજની આવક બેંગ્લોરથી હોવાથી સ્થાનિક કેસર કેરીની તુલનામાં અલગ સ્વાદ અને ગુણવત્તા ધરાવે છે. તોતા કેરી તેની નાની સાઇઝ અને મધુર સ્વાદ માટે જ્યારે લાલબાગ કેરી તેની રસાળતા અને પ્રીમિયમ ગુણવત્તા માટે પસંદ કરવામાં આવે છે.

પ્રીમિયમ લાલબાગ કેરીનો ભાવ રૂ.160થી 170 પ્રતિ કિલો નોંધાયો હતો

આ અંગે શાકભાજી માર્કેટિંગ યાર્ડના ઇન્સ્પેક્ટર હિતેશ ગજેરાએ જણાવ્યું હતું કે, આ કેરીને સ્પેશીયલ ઓર્ડરથી બેંગ્લોરથી મંગાવવામાં આવી છે. જેની કોઈ હરાજી કરવામાં આવશે નહિ. આજે જૂનાગઢ માર્કેટ યાર્ડમાં સીઝનની પ્રથમ તોતા કેરી અને લાલબાગ કેરીની આવક નોંધાઈ હતી. જેનો પ્રારંભિક ભાવ હાલમાં તોતા કેરીનો અંદાજિત ભાવ રૂ. ૯૦થી ૧૦૦ પ્રતિ કિલો છે, જ્યારે પ્રીમિયમ લાલબાગ કેરીનો ભાવ રૂ. ૧૬૦થી ૧૭૦ પ્રતિ કિલો નોંધાયો હતો.

  • Follow us on: