ગરવા ગઢ ગિરનારની પવિત્ર લીલી પરિક્રમા આગામી 2 નવેમ્બરથી શરૂ થવાની છે, પરંતુ છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદે તંત્રની તૈયારીઓ પર પાણી ફેરવી દીધું છે. ગિરનાર પર્વત અને અભ્યારણ્ય વિસ્તારમાં 2-3 ઇંચ વરસાદથી ધરતી તરબોળ બની છે, જેના કારણે પરિક્રમા રૂટના 80 ટકા રસ્તાઓનું ગંભીર ધોવાણ થયું છે. જિલ્લા વહીવટી તંત્રે તમામ વિભાગોની ટીમો ગોઠવીને જવાબદારીઓ સોંપી દીધી હતી, પરંતુ કમોસમી માવઠાએ આયોજનોને ખોરવી નાખ્યા છે.
અભ્યારણ્ય વિસ્તારમાં રસ્તાઓ ઉપરની માટી ધોવાઇ રહી છે.
ગિરનારની લીલી પરિક્રમાને લઈને જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ પણ આપી દેવામાં આવ્યો છે, અને સબંધિત વિભાગોના અધિકારીઓની ટીમો બનાવીને તેમને જવાબદારીઓ પણ સોપી દેવામાં આવી છે, પરંતુ છેલ્લા બે દિવસથી પડી રહેલા કમોસમી વરસાદે તંત્રને ઊંડી ચિંતામાં મૂકી દીધું છે, કારણ કે, ગિરનાર પર્વત ઉપર છેલ્લા બે દિવસમાં બે થી ત્રણ ઇંચ વરસાદથી ધરતી તરબોળ બની છે, અને અભ્યારણ્ય વિસ્તારમાં રસ્તાઓ ઉપરની માટી ધોવાઇ રહી છે.
વરસાદના લીધે પરિક્રમા રૂટનું ધોવાણ ચાલુ થઈ ગયું
ગિરનાર ક્ષેત્રના ડીસીએફ અક્ષય જોશીએ સંદેશ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, પરિક્રમાનો 36 કિલોમીટરનો રૂટ અભ્યારણ્યમાંથી પસાર થાય છે, અને તેને વરસાદ પહેલા સંપૂર્ણ તૈયાર કરી લેવામાં આવ્યો હતો. પરંતુ વરસાદના લીધે પરિક્રમા રૂટનું ધોવાણ ચાલુ થઈ ગયું છે. વરસાદ રોકાયા પછી સાચી સ્થિતિનો ખ્યાલ આવશે. જેથી પરિક્રમાર્થીઓને તા.31 સુધી અગાઉ ના આવવા માટે અપીલ કરવામાં આવે છે. તંત્ર તરફથી આ અંગે બાદમાં બેઠક કરીને મહત્વનો નિર્ણય જાહેર કરવામાં આવશે.
પરિક્રમા રૂટનો 80 ટકા વિસ્તાર જે માટીકામથી કરવામાં આવ્યો
હાલ પરિક્રમા રૂટ ઉપર થોડું થોડું ધોવાણ ચાલુ થયું છે, અને આવી જ સ્થિતિ ચાલુ રહેશે તો, અભ્યારણ્ય વિસ્તારમાં આવેલો પરિક્રમા રૂટનો 80 ટકા વિસ્તાર જે માટીકામથી કરવામાં આવ્યો છે, તે ધોવાઇ જશે, અને માટીકામ ધોવાશે તો, પરિક્રમા રૂટ ઉપર વાહન વ્યવહાર સંપૂર્ણ રીતે પ્રતિબંધિત કરવામાં આવશે. આવી જ સ્થિતિ વચ્ચે ફરીથી પરિક્રમા રૂટના સમારકામ માટે તંત્રને ઓછામાં ઓછા સાતેક દિવસનો સમય લાગશે. અને અમુક મહત્વના ક્રિટીકલ પોઈન્ટ પહેલા રીપેર કરવાની કામગીરીને પ્રાધાન્ય આપવામાં આવશે.