ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતી અને પશુપાલનનો વ્યવસાય ચાલે છે. રાજ્યમાં બનાસકાંઠા અને કચ્છ જિલ્લામાં પશુધનની બહોળી સંખ્યા હોવાથી ત્યાં પશુપાલનના વ્યવસાય સાથે અનેક લોકો સંકળાયેલા છે. કચ્છમાં પણ પશુપાલનનો વ્યવસાય હોવાથી ત્યાં પશુધન મોટી સંખ્યામાં છે. જેથી જિલ્લામાં અવારનવાર પશુઓના સોદા થતા હોય છે. જિલ્લામાં એક ભેંસનો સોદો અત્યારે હાલમાં ચર્ચામા રહ્યો છે.


આ ભેંસ દૈનિક 27 લિટર દૂધ આપે છે

કચ્છ જિલ્લાના લખપત તાલુકાના સાન્ધ્રો ગામમાં એક પશુપાલકે પોતાની અસલ બન્ની નસલની ભેંસને 14 લાખમાં વેચી છે. ગુજરાતમાં આટલી મોટી રકમમાં ભેંસનો સોદો થયો હોય તેવો આ પ્રથમ બનાવ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ભુજના સેરવા ગામના માલધારી શેરૂભાઈ ભલુએ આ ભેંસ ખરીદી છે. આ ભેંસ વેચનાર ગાજીભાઈનો પરિવાર વર્ષોથી પશુપાલન સાથે સંકળાયેલો છે. આ ભેંસ દૈનિક 27 લિટર દૂધ આપે છે.

ભેંસના અવારનવાર પાંચથી સાત લાખ રૂપિયામાં સોદા થાય છે

બન્ની નસલની ભેંસ દાયકાઓથી તેના સ્વભાવ અને દૂધ ઉત્પાદન માટે જાણિતી છે. આ ભેંસ તરણેતરના મેળામાં પણ વિજેતા રહે છે. કચ્છ જિલ્લમાં બન્ની નસલની ભેંસના અવારનવાર પાંચથી સાત લાખ રૂપિયામાં સોદા થાય છે. પરંતુ 14 લાખ રૂપિયામાં ભેંસ વેચાય તેવુ ભાગ્યે જ જોવા મળ્યું છે. આ ભેંસની તંદુરસ્તી,તેના ચુડકંઢી શિંગડા અને આકર્ષક દેખાવ સૌનું ધ્યાન ખેંચે છે.


  • Follow us on: