શેરડીના પાકમાં વેધકો જેવા કે ડૂંખ, ટોચ, મૂળ અને આંતરગાંઠ જેવી વેધકના કારણે ખૂબ નુકસાન થતું હોય છે. જેને અટકાવવા નવસારી કૃષિ યુનિવર્સિટીએ સંકલિત વ્યવસ્થાપન માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. આ પગલાં અપનાવીને ખેડૂતો પાકને સુરક્ષિત કરીને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકે છે.નવસારી કૃષિ યુનિવર્સિટીની યાદીમાં જણાવ્યા મુજબ, વેધકોના નિયંત્રણ માટે આ મુજબના પગલાં અપનાવવા જરૂરી છે, જેમ કે શેરડીના ખેતરમાં વધારાના પાણી નીતાર માટે યોગ્ય વ્યવસ્થા કરવી, જેથી જીવાતોના વિકાસને અટકાવી શકાય. શેરડીનો એકથી વધુ બડઘા પાક લેવો નહીં.
પરજીવી ટ્રાયકોગામાનો વ્યાપારી ધોરણે ઉછેર
જીવાતમુક્ત અને ગુણવત્તાયુક્ત બિયારણ જ પસંદ કરવું. ખેતરમાં પ્રકાશપિંજર અને ફેરોમોન ટ્રેપ મૂકીને જીવાતોની મોજણી કરવી, જેથી વહેલી તકે ઉપદ્રવને ઓળખી શકાય. શેરડીના ટોચ વેધક, ડૂંખ, સાંઠા અને આંતરગાંઠ વેધકના ઈંડાના સમૂહો એકઠા કરી નાશ કરવો અથવા વાંસમાંથી બનાવેલા બુસ્ટર મૂકીને ઈંડાના પરજીવીને બચાવી શકાય. આ ઉપરાંત ઉપદ્રવવાળા છોડનો ઇયળ સહિત નાશ કરવો.વધુમાં, નવસારી કૃષિ યુનિવર્સિટીની જૈવિક નિયંત્રણ પ્રયોગશાળામાં વેધકોના ઈંડાના પરજીવી ટ્રાયકોગામાનો વ્યાપારી ધોરણે ઉછેર થાય છે.
પોતાનું ઈંડુ મુકી વેધકોના ઈંડાંનો નાશ કરે છે
આ ટ્રાઈકોકાર્ડમાંથી નીકળતી માદા ભમરી વેધકોના ઈંડાંમાં પોતાનું ઈંડુ મુકી વેધકોના ઈંડાંનો નાશ કરે છે. એક ટ્રાઈકોકાર્ડના આઠ ભાગ કરી દરેક ભાગને ૧પ × ૧પ મીટરના અંતરે પાનની નીચેની બાજુએ ટ્રાયકોકાર્ડનો ભાગ ખુલ્લો રહે તે રીતે સ્ટેપલ કરવા. હેકટર દીઠ ર થી ૩ ટ્રાયકોકાર્ડની જરૂરીયાત રહેશે. દર ૧પ દિવસના અંતરે ટ્રાયકોકાર્ડ છોડતા રહેવું. ટ્રાયકોકાર્ડને હવાની અવરજવર થઈ શકે તેવી વાંસની ટોપલી અથવા અન્ય એવા સાધનમાં વહન કરવું. ટ્રાયકોકાર્ડ પર દર્શાવેલ તારીખ સુધીમાં કે તે પહેલા ઉપયોગ કરી પરજીઓ છોડી દેવા.
ખેતરમાં જંતુનાશક દવાનો ઉપયોગ ટાળવો
ટ્રાયકોકાર્ડને સવાર અથવા સાંજના સમયે ખેતરમાં છોડવા. ટ્રાયકોકાર્ડને સીધો સૂર્યપ્રકાશ ન લાગે તે રીતે ઈંડા જમીન તરફ રહે તેમ પાન પર સ્ટેપલ કરવા. ટ્રાયકોગામા છોડવાના અઠવાડિયા પહેલા અને છોડ્યાના અઠવાડિયા બાદ ખેતરમાં જંતુનાશક દવાનો ઉપયોગ ટાળવો.આ ઉપરાંત રાસાયણિક જંતુનાશક દવાનો ઉપયોગ કરવાની જરૂરીયાત જણાય તો ફિપ્રોનીલ ૦.૩૦ ટકા જીઆર ૩૦ કિ.ગ્રા. અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૦.૪૦ ટકા જીઆર ૧૮.૭૫ કિ.ગ્રા. પ્રમાણે રોપણી બાદ એક મહિને અને ત્યારબાદ પાળા ચઢાવતી વખતે જમીનમાં આપવી. દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલા લેબલ મુજબ જે તે પાક માટે તે ભલામણમાં જણાવ્યા મુજબની કાળજીઓ રાખવી જોઈએ.આ પગલાં અપનાવીને ખેડૂતો વેધકોના ઉપદ્રવને ઘટાડી શકે છે.
આ પણ વાંચોઃ Ahmedabad News: ખાડિયા પોલીસ સ્ટેશનમાં ડિટેઇન કરેલા વાહનોમાં લાગી આગ, 50થી વધુ વાહનો બળીને ખાખ