નવસારી જિલ્લાના ચીકુની દેશ વિદેશમાં ભારે માંગ છે.જિલ્લાના ગણદેવી તાલુકામાં ચીકુનો પાક મોટા પ્રમાણમાં લેવામાં આવે છે.સિઝનનો પહેલો પાક લાભ પાંચમના દિવસે મુહૂર્ત કરી દેશના જુદા જુદા રાજ્યોમાં એક્સપોર્ટ કરવા માટે રવાના કરવામાં આવે છે.નવસારી જિલ્લામાં થયેલા માવઠાએ મુહૂર્ત સાથે ખેડૂતોની દશા બગાડી છે.દિવાળીના તહેવાર બાદ લાભ પાંચમના દિવસથી નવા વ્યાપારના મુહૂર્ત થતા હોય છે.
વરસાદી માહોલ હોવાથી ખેડૂતો ખેતરમાં જઈ શક્યા નથી
ગણદેવી તાલુકાના ખેડૂતો પણ બગીચામાં તૈયાર થયેલો ચીકુનો પાક ઉતારી સહકારી મંડળી મારફતે એક્સપોર્ટ માટે મોકલતા હોય છે.પરંતુ હાલ નવસારી જિલ્લામાં બે દિવસથી વરસી રહેલા વરસાદે ખેડૂતોના મુહર્ત અને હાલત બંને બગાડી નાખ્યા છે.ગણદેવી તાલુકાની અમલસાડ સહકારી મંડળી માંથી પ્રતિ વર્ષ સાત લાખ મણ કરતાં વધુ ચીકુ અન્ય રાજ્યોમાં મોકલવામાં આવે છે.લાભ પાંચમના દિવસે થતા મુહૂર્તમાંજ લગભગ 1100 મણ જેટલા ચીકુની આવક થતી હોય છે.જે વરસાદના કારણે પચાસ ટકા ઘટીને સીધી 600 મણ જેટલી થઈ છે.બે દિવસ થી સતત વરસાદી માહોલ છવાયેલો રહેતા ખેડૂતો તેમના ખેતરમાં જઈ શક્યા નથી.













