રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે ચલાવવામાં આવેલા પ્રાકૃતિક કૃષિના મહાઅભિયાન અંતર્ગત પાટણ જિલ્લો નોંધપાત્ર પ્રગતિ નોંધાવી રહ્યો છે. જેના પરિણામે પાટણ જિલ્લો ટકાઉ અને પર્યાવરણમૈત્રી ખેતી ક્ષેત્રે એક મહત્વપૂર્ણ ઉદાહરણ બની રહ્યો છે. હાલમાં પાટણ જિલ્લામાં ૨૪,૨૬૦ ખેડૂતો દ્વારા અંદાજે ૨૮,૮૧૪ એકર વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી કરવામાં આવી રહી છે. પ્રાકૃતિક ખેતીના પ્રસાર અને પ્રદર્શન માટે જિલ્લામાં કુલ ૨૧૮ મોડલ ફાર્મ કાર્યરત છે, જ્યારે ખેડૂતોને માર્ગદર્શન, તાલીમ અને જરૂરી સામગ્રી ઉપલબ્ધ થાય તે માટે ૨૧ બાયો રિસોર્સ સેન્ટર (BRC) કાર્યરત છે.
ખેડૂતોને પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવે છે
જિલ્લામાં પ્રાકૃતિક ખેતી હેઠળ મુખ્યત્વે દિવેલા, કપાસ, અડદ, મગ, ગવાર, ચણા, ઘઉં, રાઈ, જીરું, ઘાસચારો તેમજ બાગાયતી અને મસાલા પાકોનું વાવેતર કરવામાં આવે છે, જે ખેડૂતોને સારી આવક આપતા પાકો તરીકે ઉભરી રહ્યા છે.ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ વધે તે માટે ક્લસ્ટર આધારિત તાલીમ અને અવેરનેસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમો દ્વારા પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ, દેશી ગાયના ઉપયોગ, જીવામૃત, ઘનજીવામૃત અને બીજામૃત જેવી પદ્ધતિઓ અંગે ખેડૂતોને પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવે છે. પરિણામે વધુને વધુ ખેડૂતો આ પર્યાવરણમૈત્રી ખેતી પદ્ધતિ અપનાવવા પ્રેરિત થઈ રહ્યા છે.













