નમો ડ્રોન દીદી યોજના જે નવીન ડ્રોન ટેક્નોલૉજીના ઉપયોગ દ્વારા મહિલાઓને આર્થિક સશક્ત બનાવવાના ઉદ્દેશ સાથે વર્ષ 2023માં શરૂ કરવામાં આવી હતી. નમો ડ્રોન દીદી યોજના એ મહિલા સશક્તિકરણ અને કૃષિ ક્ષેત્રે ક્રાંતિ લાવવાની મહત્વાકાંક્ષી પહેલ છે. દીનદયાળ અંત્યોદય યોજના - રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અને ક્લસ્ટર લેવલ ફેડરેશન હેઠળ ‘નમો ડ્રોન દીદી યોજના’ કૃષિ સેવાઓ માટે ડ્રોન પૂરા પાડીને મહિલા સ્વ-સહાય જૂથોને સશક્ત બનાવે છે.એડવાન્સ ટેક્નોલૉજીના સુયોગ્ય ઉપયોગથી આજે ડ્રોન દીદી કૃષિ ક્ષેત્રને નવી દિશાઓ આપી રહી છે.


રાજકોટના સોનલબેન પાંભર 15 લાખની આવક મેળવી બન્યા લખપતિ

રાજકોટ જિલ્લાના નાનાવડા ગામના 33 વર્ષીય સોનલબેન પાંભરે ખેતીમાં ડ્રોન ટેક્નોલૉજીનો ઉપયોગ કરીને 15 લાખની કમાણી કરી છે. સોનલબેને ડ્રોન દીદી બનવાની સફર અંગે જણાવ્યું હતું કે, પહેલા હું ઘરકામ કરતી હતી. મિશન મંગલમના કર્મચારીએ અમારા ગામમાં જાહેર મીટિંગ કરી મંડળની બહેનોને નમો ડ્રોન યોજનાની જાણકારી આપી જેનાથી મને આત્મનિર્ભરતાની પ્રેરણા મળી.ડિસેમ્બર 2023માં મેં મહારાષ્ટ્રના પૂણે ખાતે 15 દિવસની તાલીમ લીધી અને ત્યારબાદ રાજકોટમાં IFFCO તરફથી વધારાની તાલીમ મેળવી. ટેક્નિકલ ટીમે મને ડ્રોનનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખવ્યું.

કામ મળવા લાગ્યું અને મારી આવકમાં વધારો થયો

સોનલબેને ઉમેર્યું કે,પહેલી વાર મેં 10 જૂન 2024ના રોજ સફળતાપૂર્વક ડ્રોનનો ઉપયોગ કરીને મારા ગામના ખેતરોમાં કપાસ અને મગફળીના પાક પર જંતુનાશક દવાનો છંટકાવ કર્યો. એ પછી તો મને અન્ય ખેડૂતો પાસેથી પણ કામ મળવા લાગ્યું અને મારી આવકમાં વધારો થયો. છેલ્લા એક વર્ષમાં મેં 1,740 ખેડૂતોને મગફળી, સોયાબીન, તુવેરદાળ, કપાસ, ચણા, વટાણા, જેવા અનેકવિધ પાકોમાં ડ્રોન મારફતે જંતુનાશક દવાનો છંટકાવ કરી આપ્યો છે. જેનાથી આજ સુધીમાં મને કુલ 15,38,500ની કમાણી થઈ છે.

બનાસકાંઠાના ભાવનાબેન ચૌધરી કરે છે દર મહિને 50,000થી વધુની કમાણી

બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના વરસડા ગામના રહેવાસી ભાવનાબેન ચૌધરી જણાવે છે કે,મેં બીએ સુધીનો અભ્યાસ કર્યો છે અને હું ખેતી અને પશુપાલનના વ્યવસાયમાં જોડાયેલી છું.પહેલો તો ડ્રોન વિશે મને કે મારા ગામમાં કોઇને પણ કોઇ જાણકારી નહોતી.મને ડ્રોન દીદી બનવાની ખૂબ ઉત્સુકતા હતી. મેં GNFC, ભરૂચ દ્વારા અમદાવાદ ઇન્ડસ યુનિવર્સિટી ખાતે 15 દિવસની રેસિડેન્શિયલ ડ્રોન તાલીમ મેળવી હતી અને ત્યારબાદ ડ્રોન પાયલટની પરીક્ષા પાસ કરીને મેં મારું લાયસન્સ મેળવ્યું.મેં મારા ગામમાં ખેતરોમાં ડ્રોનની મદદથી જંતુનાશક દવાનો છંટકાવ કરવાનું શરૂ કર્યું અને દર મહિને ₹50,000થી વધુની કમાણી કરું છું.


  • Follow us on: