શક્તિનું પર્વ નવરાત્રિ માત્ર આસ્થા અને આરાધનાના ઉત્સવ સાથેસાથે સ્ત્રીશક્તિની ઉજવણી કરવાનો અવસર છે. આ વર્ષે પણ બોટાદ જિલ્લા માહિતી કચેરી મહિલાઓને પ્રેરણા અને માર્ગદર્શન આપવા માટે વિશેષ લેખ શ્રેણી રજૂ કરે છે. જે અંતર્ગત આજે વાત "ન્યુ સ્વર્ણિમા યોજના" વિશે. ગુજરાત સરકાર સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અંતર્ગત ગુજરાત ગોપાલક વિકાસ નિગમ દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે "ન્યુ સ્વર્ણિમા યોજના" કાર્યરત છે.


અરજદારના કુંટુંબની કુલ વાર્ષિક 3 લાખથી વધુ ન હોવી જોઇએ

આ યોજના અંતર્ગત મહિલાઓને દરજીકામ, બ્યુટી પાર્લર, ઈમિટેશન જ્વેલરી, રેડીમેઈડ ગારમેન્ટ્સ, સાડી સ્ટોર્સ વગેરે જેવા વ્યવસાયો શરૂ કરવા માટે ₹1.50 લાખથી ₹7.50 લાખ સુધીની લોન સહાય આપવામાં આવે છે. ગરીબી રેખા હેઠળ જીવતાં પછાત વર્ગોની મહિલાઓ સ્વરોજગાર શરૂ કરી શકે તે માટે આ ખાસ યોજના છે. આ યોજના અંતર્ગત મહિલા લાભાર્થીએ પોતાની પસંદગીનો વ્યવસાય કરવાનો રહેશે. લોન મેળવવાની પાત્રતાની વાત કરીએ તો, અરજદાર સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના હોવા જોઈએ. અરજદારના કુંટુંબની કુલ વાર્ષિક રૂ. 3 લાખથી વધુ ન હોવી જોઇએ. અરજદારની ઉંમર અરજીની તારીખે 21 થી 50 વર્ષ સુધીની હોવી જોઇએ. અરજદારને મશીન ચલાવવાનો તથા અન્ય કુશળતા માગી લેતાં ધંધાનો અનુભવ હોવો જોઇએ. જે વ્યવસાય કરવા માગો છો તેનો અનુભવનો દાખલો તથા ભાવપત્રક (કોટેશન બિલ) જેવા અન્ય દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે.

નાના પગલાંથી મોટા સપના સાકાર કરો

આ યોજના અંતર્ગત ઓનલાઈન અરજી કરવાની તારીખ 27-8-2025થી 30-9-2025 સુધીની છે. વધુ માહિતી માટે www.sje.gujarat.gov.in વેબસાઈટ પરથી મેળવી શકાય છે. સરકારની આ યોજના મહિલાઓને સ્વાવલંબન તરફ આગળ વધવાની તક આપે છે. બોટાદ જિલ્લા માહિતી કચેરીની નવરાત્રિ વિશેષ શ્રેણી મહિલાઓને પ્રેરણા આપે છે કે પોતાની ક્ષમતા પર વિશ્વાસ રાખે, નાના પગલાંથી મોટા સપના સાકાર કરે અને સમાજને વધુ સશક્ત અને સમૃદ્ધ બનાવવામાં સહયોગ આપે.

  • Follow us on: