ગુજરાત સહિત દેશના યુવાનોને નવી દિશા તેમજ વધુ સશક્ત અને આત્મનિર્ભર બનાવવા આજની આ બે દિવસીય સ્ટાર્ટઅપ કોન્કલેવ મહત્વની સાબિત થશે.દેશમાં વર્ષ ૨૦૧૪ પછી નવા ઉદ્યમીઓ માટે સ્ટાર્ટઅપ રૂપે નવી પહેલ શરૂ થઇ છે.દેશભરમાંથી આ કોન્કલેવમાં યુનિકોન, રોકાણકારો, ઉદ્યોગપતિઓ અને ઉદ્યમીઓ સહભાગી થયા છે. જે વિદ્યાર્થીઓ ટેકનોલોજી- કોર-ઇમર્જીંગ બ્રાન્ચિસમાં અભ્યાસ કરી રહ્યા છે તેમના માટે નવી દિશા નવા દ્વાર ખૂલશે. ઉચ્ચ અભ્યાસ બાદ માત્ર રોજગારી જ નહી પણ ઇનોવેશન-નવા આઇડીયા થકી આજનો યુવાન બીજાને રોજગારી આપવા સક્ષમ બન્યો છે.
AI ના યુગમાં અનેકક્ષેત્રે ખૂબ નવી ક્રાંતિ
રાજ્ય સરકારના મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, સ્વદેશી ટેકનોલોજીનો ઉપયોગ કરીને ભારત આજે જેટ નહી પણ સુપર જેટ વિમાન બનાવવાની તાકાત ધરાવે છે. રાજ્ય સરકારે સ્ટાર્ટઅપના માધ્યમથી યુવાનોને યોગ્ય મંચ આપીને નોકરી લેનાર નહી પણ નોકરીદાતા બનાવ્યો છે.આજના AI ના યુગમાં અનેકક્ષેત્રે ખૂબ નવી ક્રાંતિ આવી છે.રાજ્ય સરકારે i-Hubના માધ્યમથી યુવાનોને નવા આઇડીયા મૂર્તિમંત કરવા શ્રેષ્ઠ મંચ ઉપલબ્ધ કરાવ્યુ છે.
i-Hub ગુજરાતના યુવાનોના સાહસોને પ્રોત્સાહન
તેમણે કહ્યું હતું કે,i-Hub ગુજરાતના યુવાનોના સાહસોને પ્રોત્સાહન આપવા માટે ખૂબ મહત્વનું પ્લેટફોર્મ સાબિત થઈ રહ્યું છે.યુવાનોના નવા ઈનોવેટીવ વિચારોને પ્રોત્સાહન મળે તે હેતુથી આગામી સમયમાં ગુજરાતમાં રીઝીયન વાઈઝ i-Hub બનાવવામાં આવશે.રિજીયન મુજબ i-Hub બનાવવાની છેવાડાના નાના ગામના યુવાનોના નવા વિચારોને હકીકતમાં રૂપાંતરીત કરવા માટે તેમના ગામથી નજીકના સેન્ટર પરથી તમામ સગવડો ઉપલબ્ધ બનશે.
છ જેટલા સ્ટાર્ટઅપને અંદાજે રૂ.21 કરોડથી વધુના ચેકનું વિતરણ
આ કાર્યક્રમમાં વિવિધ છ જેટલા સ્ટાર્ટઅપને અંદાજે રૂ.૨૧ કરોડથી વધુના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.જેમાં ગ્રોક્સ કંપની દ્વારા ડિફેન્સ ક્ષેત્રે આર્મરી શિલ્ડ પ્રાઇવેટ લિમિટેડ સાથે રૂ.૧૦ કરોડ, સી ફંડ કંપની દ્વારા દીપ ટેક ક્ષેત્રે કોન્સન્ટ એઆઈ સાથે રૂ. ૩.૧ કરોડ, GSF કંપની દ્વારા એચઆર ટેક અને સ્પેસ ટેક ક્ષેત્રે અનુક્રમે ઝેનસ્ટેક પ્રાઇવેટ લિમિટેડ કંપની સાથે રૂ. ૪.૮ કરોડ અને વેલકીનરીમ ટેકનોલોજી સાથે રૂ. ૨.૫ કરોડના ચેકનું વિતરણ કરાયું હતું. આ ઉપરાંત ઈન્ડિકોર્ન એન્જલ્સ કંપની દ્વારા AI ક્ષેત્રે સેટ માય કાર્ટ સાથે રૂ. ૧ કરોડના અને આઈઆઈએમ કલકત્તા દ્વારા ક્લીન ટેકનોલોજી ક્ષેત્રે મલ્હારી પ્રોજેક્ટ સાથે રૂ.૦.૫ કરોડના ચેકનું વિતરણ કરાયું હતું.