ગુજરાતમાં આજે અંબાપુર મર્ડર કેસના આરોપીનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. સાયકો કિલર વિપુલ પરમારનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. આ સાયકો કિલરે પોલીસ પર હુમલો કર્યો હતો, પોલીસ પાસેથી રિવોલ્વર છિનવી હુમલો કર્યો હતો. પોલીસે સ્વબચાવમાં આરોપીને ઠાર કર્યો છે. સાયકો કિલરને કેનાલ પાસે પોલીસ લઈ ગઈ હતી. ત્યારે રિકન્સ્ટ્રક્શન દરમિયાન એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. જેમાં 3 પોલીસ કર્મચારી પણ ઘાયલ થયા છે. હાલમાં ગાંધીનગર રેન્જ IG ઘટનાસ્થળે પહોંચ્યા છે.
પોલીસે પિતા-પુત્રને એન્કાઉન્ટરમાં કર્યા હતા ઠાર
ત્યારે તમને જણાવી દઈએ કે આ પહેલા રાજ્યમાં 2021માં એન્કાઉન્ટરની ઘટના બની હતી. સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના ગેડીયા ગામે નવેમ્બર 2021માં કુખ્યાત ગેંગસ્ટર હનીફ ખાન મલેક અને તેના પુત્ર મદીન મલેકને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર કર્યા હતા. તમને જણાવી દઈએ કે હનીફ ખાને PSI વી.એન.જાડેજા પર 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને તેનો પુત્ર મદિન ખાન પણ ધારીયું લઈને PSI વી.એન.જાડેજા પર હુમલો કર્યો હતો અને PSIને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારબાદ PSIએ પોતાના સ્વબચાવ માટે પોતાની સર્વિસ રિવોલ્વરથી ફાયરિંગ કર્યું હતું અને મદીન તથા હનીફને ગોળી વાગતા ઘટનાસ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું.
આરોપી 59 ગુનામાં હતો વોન્ટેડ
તમને જણાવી દઈએ કે મૃતક આરોપી હનીફખાન વિરૂદ્ધ 86 ગુનાઓ નોંધાયેલા હતા, જેમાંથી તે 59 ગુનામાં વોન્ટેડ હતો. પોલીસ જ્યારે આરોપીને પકડવા માટે પહોંચી ત્યારે પોલીસ પર આરોપીએ હુમલો કર્યો હતો અને સ્વબચાવ માટે પોલીસે ફાયરિંગ કર્યું હતું, જેમાં આરોપી અને તેના પુત્રનું મોત થયું હતું. આ બંને કુખ્યાત ગુનેગારોના એન્કાઉન્ટર બાદ પરિવારજનોએ પોલીસ પર આરોપી લગાવીને મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કરી દીધો હતો. મૃતકના પરિવારજનોએ ગંભીર આરોપ લગાવતા કહ્યું હતું કે પોલીસે ઘરમાં ઘુસીને ફાયરિંગ કર્યું અને હનીફ ખાન અને મદીનનું મોત થયું હતું.