અમદાવાદના અંબાપુર મર્ડર કેસના મુખ્ય આરોપી વિપુલ પરમારનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત નીપજ્યું છે. પોલીસ પર હુમલો કરી રિવોલ્વર છીનવી ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે સ્વબચાવમાં તેને ઠાર માર્યો હતો. આ અથડામણમાં એક પીઆઈ અને એક કોન્સ્ટેબલ સહિત બે પોલીસ કર્મચારીઓ પણ ઘાયલ થયા છે. અંબાપુર મર્ડર કેસમાં ઝડપાયેલા આરોપી વિપુલ પરમારને ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે પોલીસની ટીમ કેનાલ પાસેના ઘટનાસ્થળે લઈ ગઈ હતી.
સાયકો કિલર વિપુલ પરમારનું એન્કાઉન્ટર
આ દરમિયાન આરોપીએ અચાનક હુમલો કરી કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહની રિવોલ્વર છીનવી લીધી હતી અને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીના આ હુમલાથી કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહને ગોળી વાગવાથી ઈજા થઈ હતી. ઉપરાંત એલસીબીના પીઆઈ વાળાને પણ સામાન્ય ઈજા પહોંચી હતી. પોતાની અને અન્ય પોલીસકર્મીઓની સુરક્ષા માટે પોલીસે સ્વબચાવમાં આરોપી વિપુલ પરમાર પર ગોળીબાર કરવો પડ્યો હતો.













