અમદાવાદમાં રખડતા ઢોર અને ટ્રાફિકને લઈને હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. આ સુનાવણીમાં કોર્ટે ગેરકાયદેસર દબાણો અંતર્ગત જાહેર માર્ગ અને ફૂટપાથ પરથી અનઅધિકૃત ફેરિયાઓને હટાવવા માટે હુકમ કર્યો હતો. શહેરના ભદ્ર વિસ્તારમાં બે દિવસ પહેલા જ દબાણો હટાવાયા હતાં. આ દરમિયાન મહાનગર પાલિકાની કાર્યવાહીમાં ફેરિયાઓએ અડચણ ઉભી કરી હતી.


સરકારી વકીલે કોર્ટ સમક્ષ તેનો વીડિયો પણ મુક્યો

સરકારી વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, 22 અને 23 સપ્ટેમ્બરે શહેરના ભદ્ર વિસ્તારમાં મહાનગર પાલિકા દ્વારા દબાણો હટાવાયા હતાં. આ વિસ્તારમાં ભદ્રકાળી માતાજીનું મંદિર હોવાથી નવરાત્રિમાં ત્યાં ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. દબાણ હટાવવાની કાર્યવાહી દરમિયાન ફેરિયાઓએ મહાનગર પાલિકાની કામગીરીમાં અડચણ ઉભી કરી હતી. સરકારી વકીલે કોર્ટ સમક્ષ તેનો વીડિયો પણ મુક્યો હતો.

કાયદો હાથમાં લેનારા લોકો સામે કડક પગલા લેવા આદેશ

હાઈકોર્ટે કહ્યું હતું કે, મહાનગર પાલિકાની કામગીરીમાં અડચણ ઉભી કરનારા લોકોને એરેસ્ટ કેમ ના કર્યા. આવતા સપ્તાહે કોર્ટ સમક્ષ કાર્યવાહીનો રિપોર્ટ રજૂ કરો. કોર્ટે કહ્યું હતું કે, નવરાત્રિ દરમિયાન બ્લેક ફિલ્મ વાળી ગાડીઓ લઈને નીકળતા લોકો સામે પગલાં લો. રોંગ સાઈડ આવતા વાહનો સામે ડ્રાઈવ ચાલુ રાખો. કોર્ટે કહ્યું હતુ કે, અધિકારીઓ કાયદાનો યોગ્ય ઉપયોગ કરી કાયદો હાથમાં લેનારા લોકો સામે કડક પગલા લે.


  • Follow us on: