અમદાવાદ શહેરના સરદારનગરમાં ઘર કંકાસ એટલો ઉગ્ર બન્યો કે પતિએ પત્ની અને સાસુને જ્વલનશીલ પ્રવાહી છાંટીને જીવતા જ સળગાવી દીધા, જેમાં સારવાર દરમિયાન પત્નીનું મોત નિપજ્યું છે તો સાસુ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સાથે જ પત્ની અને સાસુને જીવતા સળગાવનારને પણ ઈજા પહોંચતા તેની પણ પોલીસ જાપ્તામાં સારવાર ચાલુ છે. જે અંગે સરદાર નગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પતિ-પત્ની વચ્ચે છેલ્લા 5 મહિનાથી તકરાર ચાલતી હતી
અમદાવાદના સરદાર નગર વિસ્તારમાં આવેલા કમલ કોમ્પલેક્ષમાં ગઈકાલે ઘર કંકાસમાં પતિએ પોતાની પત્ની અને સાસુ પર જ્વલનશીલ પદાર્થ છાંટી જીવતા સળગાવી દીધા હતા, જેમાં સારવાર દરમિયાન પત્ની જયાબેન રાજપૂતનું મોત નીપજ્યું છે તો પત્ની શોભનાબેનને ગંભીર હાલતમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા છે. ગઈકાલે મોડી સાંજે અશોક રાજપુતે તેની પત્ની જયા અને સાસુ ઉપર જ્વલનશીલ પદાર્થ છાંટી દીધો હતો. પતિ પત્ની વચ્ચે છેલ્લા 5 મહિનાથી પ્રેમ લગ્ન બાદ તકરાર ચાલતી હતી, જેના કંકાસથી કંટાળી અશોકે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. જે અંગે સરદાર નગર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.













