ગુજરાતમાં બે દાયકા જેટલા સમય બાદ ફરી એક આરોપીના એન્કાઉન્ટરનો મામલો સામે આવ્યો છે. ગાંધીનગરની નર્મદા કેનાલ પાસે લૂંટના ઈરાદે હત્યા કરનાર સાયકો કિલર વિપુલ પરમાર પોલીસના એન્કાઉન્ટરમાં ઠાર કરાયો છે. ઘટનાના રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીએ પોલીસની રિવોલ્વર છીનવીને ફાયરિંગ કરતા વળતા ફાયરિંગમાં તેને પોલીસે ઠાર કર્યો હતો. રાજ્યમાં લગભગ બે દાયકા જેટલા સમય બાદ કોઈ આરોપીનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. તો આવો જાણીએ રાજ્યમાં અત્યાર સુધીમાં થયેલા એન્કાઉન્ટર વિશે.
રાજ્યમાં અત્યાર સુધી 22 એન્કાઉન્ટર થયા
ગુજરાતમાં શંકરસિંહ વાઘેલાના મુખ્યમંત્રી કાળ દરમિયાન અમદાવાદના કુખ્યાત બુટલેગર અબ્દુલ લતિફને એન્કાઉન્ટરમા ઠાર કરાયો હતો. ત્યાર બાદ 2002થી 2006 સુધી કુલ 22 એન્કાઉન્ટર થયા હતાં. આ તમામ એન્કાઉન્ટરની ગુજરાત હાઈકોર્ટથી લઈને સુપ્રિમ કોર્ટ સુધી કેસ કાર્યવાહી ચાલી હતી. આ ઉપરાંત એન્કાઉન્ટરની તપાસ માટે એક સ્પેશિયલ તપાસ કમિટી પણ બની હતી. પોલીસે આ એન્કાઉન્ટર પાછળ એ સમયે એવું કારણ રજૂ કર્યું હતું કે, તેઓ ત્રાસવાદી હતા અને રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપના કોઈ મોટા નેતાની હત્યા કરવા માટે આવ્યા હતાં. તેમનો ઈરાદો રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં બોમ્બ વિસ્ફોટ કરવાનો હતો.













