આણંદ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વાદળછાયા વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેના કારણે તમાકુના પાકમાં મોલોમસી જીવાતનો ઉપદ્રવ નોંધાયો છે. આ જીવાતના પ્રકોપને કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે, કારણ કે સમયસર નિયંત્રણ ન કરવામાં આવે તો પાકની ગુણવત્તા અને ઉત્પાદન બંને પર નકારાત્મક અસર પડી શકે છે.


દવાને પાણીમાં મિક્સ કરીને સમાન રીતે કરો છંટકાવ

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા ખેતીવાડી અધિકારી ચિંતન પટેલ દ્વારા ખેડૂતોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે વાદળછાયા અને ભેજવાળા વાતાવરણમાં મોલોમસી ઝડપથી ફેલાય છે, તેથી ખેડૂતોએ નિયમિત ખેતરની મુલાકાત લઈને પાકનું નિરીક્ષણ કરવું જરૂરી છે. મોલોમસીના અસરકારક નિયંત્રણ માટે સિસ્ટેમેટિક ઇન્સેક્ટીસાઇડ એટલે કે શોષક પ્રકારની જંતુનાશક દવા ઉપયોગમાં લેવા સલાહ આપવામાં આવી છે. ખાસ કરીને ડાયમિથોએડ નામની જંતુનાશક દવાનો ઉપયોગ કરવા જણાવાયું છે. 20 મિલી દવા પ્રતિ 10 લિટર પાણીમાં મિશ્રણ કરીને સમાન રીતે છંટકાવ કરવાથી જીવાત પર નિયંત્રણ મેળવી શકાય છે.

આ ખાસ કાળજી રાખવી

છંટકાવ કરતી વખતે પાંદડાની નીચેની સપાટી પર પણ દવા સારી રીતે પડે તેની ખાસ કાળજી રાખવા જણાવ્યું છે. ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને પાક સંરક્ષણ માટે વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવવા અને અનાવશ્યક દવાઓનો અતિરેક ઉપયોગ ન કરવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે. યોગ્ય માર્ગદર્શન અને સમયસર પગલાંથી મોલોમસીના ઉપદ્રવને નિયંત્રિત કરી પાકની ગુણવત્તા જાળવી શકાય છે. જિલ્લા ખેતીવાડી તંત્ર ખેડૂતો સાથે સતત સંપર્કમાં રહી સ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને જરૂર પડે ત્યારે વધુ માર્ગદર્શન આપવાની તૈયારી દર્શાવી છે.

આ પણ વાંચો : Agriculture News : પ્રાકૃતિક ખેતીને બળ,‘ડિજિટલ સોઈલ હેલ્થ કાર્ડ’ દ્વારા આંગળીના ટેરવે જમીનનું સ્વાસ્થ્ય


  • Follow us on: