આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, તારીખ 12 જુન 2025 ના રોજ અમદાવાદમાં બનેલ વિમાન દુર્ઘટના તમામ પેસેન્જર અને ક્રૂ મેમ્બરના ડીએનએ મેચ થઈ ગયા છે અને આ તમામ 241 મૃતકોના નશ્વર દેહ સન્માનપૂર્વક તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે.


260 મૃતકોની ઓળખ કરાઈ

વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં DNA ટેસ્ટથી ૨૫૪ અને ચહેરાથી ૬ એમ કુલ ૨૬૦ મૃતકોની ઓળખ થઇ ચુકી છે, જે તમામ નશ્વર દેહ પરિવારજનોને સોંપાવામાં આવ્યા છે. મંત્રીએ આ ક્ષણે આ સમગ્ર ઘટના બાદની કામગીરી અને સુપેરે વ્યવસ્થાપન કરનાર આરોગ્ય કર્મીઓ, પોલીસ કર્મીઓ, FSL,AMCની ટીમ, સ્વયં સેવકો સહિતના તમામ લોકોનો આભાર માન્યો હતો.

૨૨૯ નશ્વર દેહ રોડ માર્ગે મોકલાયા

આ તમામ વિભાગોના સંકલનના પગલે ડીએનએ મેચ અને નશ્વર દેહ સોંપણીની સમગ્ર પ્રક્રિયા ખૂબ જ ઝડપી થઈ શકી છે તેમ મંત્રીએ જણાવીને આ તમામ લોકોને અભિનંદન પણ પાઠવ્યા હતા. વધુ વિગતો આપતા મંત્રીએ જણાવ્યું હતું કે, ઓળખાયેલા ૨૬૦ મૃતકોમાં ૧૮૧ ભારતના નાગરિક, ૭ પોર્ટુગલના, ૫૨(બાવન) બ્રિટિશ નાગરિક, એક કેનેડિયન તેમજ ૧૯ નોન પેસેન્જરનો સમાવેશ થાય છે. ૨૬૦ નશ્વર દેહમાંથી ૩૧ હવાઇ માર્ગે (બાય એર) અને ૨૨૯ રોડ માર્ગે (બાય રોડ) મોકલવામાં આવ્યા છે.

6 મૃતદેહની ઓળખ ચહેરાથી કરાઈ

તેમણે ઉમેર્યું કે, ૨૫૪ મૃતકોના DNA સેમ્પલ મેચ થયા, જેમાંથી ૨૪૧ પેસેન્જર અને ૧૩ નોન પેસેન્જર છે. કુલ ૧૯ નોન પેસેન્જરના નશ્વર દેહ સોંપાયા જેમાં ૧૩ની ઓળખ DNA રિપોર્ટથી અને ૬ ની ઓળખ ચેહેરાથી કરાઈ છે. સ્વજનોને સોંપવામાં આવેલા નશ્વર દેહોની વિગતો જોઇએ તો, ઉદયપુર ૭, વડોદરા ૨૪, ખેડા ૧૧, અમદાવાદ ૭૩, મહેસાણા ૭, બોટાદ ૧, જોધપુર ૧, અરવલ્લી ૨, આણંદ ૨૯, ભરૂચ ૭, સુરત ૧૨, પાલનપુર ૧, ગાંધીનગર ૭, મહારાષ્ટ્ર ૧૩, દીવ ૧૪, જુનાગઢ ૧, અમરેલી ૨, ગીર સોમનાથ ૫, મહીસાગર ૧, ભાવનગર ૩, લંડન ૧૩, પટના ૧, રાજકોટ ૩, રાજસ્થાન ૨, નડિયાદ ૧, બનાસકાંઠા ૨, જામનગર ૨, પાટણ ૪, દ્વારકા ૨ તેમજ સાબરકાંઠાના ૧, નાગાલેન્ડ ૧, મોડાસા ૧, કચ્છ ૧, ખંભાત ૨, મણિપુર ૧, કેરળ ૧ અને મધ્યપ્રદેશના ૧ એમ કુલ ૨૬૦ નશ્વર દેહો સ્વજનોને સોંપવામાં આવ્યા હતા.

  • Follow us on: