અમદાવાદમાં પ્લેન ક્રેશની મોટી દુર્ઘટના 12 જૂને બપોરે બની છે. અમદાવાદથી લંડન જઈ રહેલી ફ્લાઈટે એરપોર્ટ પરથી ટેકઓફ થયા બાદ તરત જ પ્લેન ક્રેશ થઈ ગયું હતું. આ પ્લેનમાં 242 લોકો સવાર હતા. આ દુર્ઘટનાનો શિકાર રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ થયા છે. જેની પુષ્ટી કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે કરી છે. આ સિવાય કેટલાય લોકોએ પોતાના ભાઈ,બહેન, પતિ,પત્ની અને સ્વજનો ગુમાવ્યા છે.
શશીકાંતભાઈ પત્ની કોકિલાબેન સાથે લંડન જતા હતા
ત્યારે આ દુર્ઘટનામાં ઉમરેઠના ભરોડાના દંપતીનું પણ પ્લેન ક્રેશમાં મોત થયું છે. ભરોડાના શશીકાંતભાઈ રાવજીભાઈ પટેલ અને તેમના પત્ની કોકિલાબેન લંડન જઈ રહ્યા હતા. છેલ્લા 20 વર્ષોથી શશીકાંતભાઈના પુત્રો લંડન ખાતે રહે છે અને આ બંને પુત્રોના પરિવારને મળવા જઈ રહ્યા હતા. ભરોડાથી સવારે અમદાવાદ એરપોર્ટ આવવા માટે નીકળ્યા હતા. તેઓ અવાર નવાર લંડન પરિવારને મળવા માટે જતા હતા. જો કે પતિ પત્નીની આજની સફર આખરી બની રહી હતી. હાલમાં ભરોડા સ્થિત તેમના મકાન ખાતે સગા-સંબંધીઓ સાંત્વના આપવા પહોંચ્યા છે.
અમદાવાદમાં પ્લેન દુર્ઘટનામાં 236થી વધુના મોત
તમને જણાવી દઈએ કે અમદાવાદમાં પ્લેન દુર્ઘટનામાં 236થી વધુના મોત થયા છે. 236 મૃતદેહ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે. લંડન જતી ફ્લાઈટ ટેક ઓફ વખતે ક્રેશ થઈ હતી. જેમાં 2 પાયલોટ અને 10 ક્રૂ - મેમ્બર પ્લેનમાં સવાર હતા, એર ઈન્ડિયાનું એરબસ AI171 દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. મેઘાણીનગરમાં IGB કમ્પાઉન્ડમાં પ્લેન ક્રેશ થયું હતું. રહેણાંક વિસ્તારમાં એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતું. ત્યારબાદ ચારેબાજુ વિમાનનો કાટમાળ જોવા મળ્યો હતો.