અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનામાં અનેક ગંભીર બાબતો સામે આવી રહી છે. બીજે મેડિકલ કોલેજની જે હોસ્ટેલને પ્લેન ટકરાયું હતું તે હોસ્ટેલમાં કામ કરતી એક મહિલાએ સમગ્ર ઘટનાની આપવીતી વર્ણવી છે. રીટાબેન પટેલ છેલ્લા દસ વર્ષથી બોયઝ હોસ્ટેલમાં રસોઈ કામ કરે છે ઘણા સમયથી બપોરે રસોઈનું કામ પતાવીને ઘરે જવાની તૈયારી કરતા હતા તે દરમિયાન અચાનક જ ગેસનો બોટલ ફાટે હોય તેઓ અવાજ આવતા જ તેઓએ આજુબાજુમાં જોતા વિમાનનો ભાગ જોતા જ અફરાતફરી મચી ગઈ હતી.
બપોરના સમયે રસોઈનું કામ પતાવીને ઘરે જવાની તૈયારીઓ કરતા હતાં
રીટાબેન પટેલ બોયઝ હોસ્ટેલમાં છેલ્લા 10 વર્ષથી કામ કરે છે. તેમણે આ ઘટના અંગે કહ્યું હતું કે, અમે બપોરના સમયે રસોઈનું કામ પતાવીને ઘરે જવાની તૈયારીઓ કરતા હતાં. આ દરમિયાન ગેસની બોટલ ફાટી હોય તેવો અવાજ આવ્યો હતો. અમે આસપાસ જોયું તો અફરા તફરી મચી ગઈ હતી. વિમાનનો એક ભાગ તૂટીને પડ્યો હોવાથી લોકોમાં ભાગદોડ થઈ રહી હતી. અમારી સાથે 40 જેટલા વિદ્યાર્થીઓ હતાં અને 15 જેટલી મહિલાઓ હતી.
આગ સળગતી જોઈ તેમણે દોડવાની પણ કોશિશ કરી હતી
રીટાબેને વધુમા કહ્યું હતું કે, રસ્તો ન જડતા છેવટે તેમણે એક દરવાજો ખોલતા સામે અગનજ્વાળા જોઈ તુરંત તેઓ ત્યાંથી પાછા વળ્યા અને બીજી બારીએથી સ્ટુડન્ટો દ્વારા તેમને હાથ પકડીને ઉતારવામાં આવ્યા હતાં. આગ સળગતી જોઈ તેમણે દોડવાની પણ કોશિશ કરી હતી. આ દરમિયાન તેઓ પગમાં દાજી ગયા હતાં. તે છતાંય પોતાનો જીવ બચાવવા દોડ્યા હતાં. આ ઘટનામાં કઈ બાજુ દોડવું એ સમજાતુ નહોતુ.લોકો પોતાનો જીવ બચાવવા દોડાદોડી કરી રહ્યા હતાં. વિદ્યાર્થીઓએ બારીમાંથી હાથ પકડીને નીચે ઉતાર્યા હતાં. અમારી આંખોની સામે જ મોટો બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં મીનાબેન પટેલને પગના ભાગે ઈજા પહોંચી છે.