અમદાવાદમાં થયેલી એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના અત્યંત દુઃખદ અને આઘાતજનક છે. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દિવંગતોના પરિજનો પ્રત્યે સિવિલ હોસ્પિટલ તંત્ર સંવેદના વ્યક્ત કરી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડોક્ટર રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, પ્લેન દુર્ઘટનાની જાણ થતાં જ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં 250 જેટલા તબીબો, નર્સ, પેરામેડિકલ સ્ટાફ અને સેવાભાવી સંસ્થાના કાર્યકરોની ટીમે તાત્કાલિક ધોરણે ઇજાગ્રસ્તોને શ્રેષ્ઠ સારવાર પૂરી પાડી હતી.


DNA સેમ્પલ કાર્યવાહી કરવામાં આવી રહી છે

આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ રાજ્ય સરકારના સતત માર્ગદર્શન અને સંકલનને પરિણામે તમામ ઇજાગ્રસ્તોને ઝડપથી સારવાર આપી શકાઈ છે. આ ઉપરાંત DNA સેમ્પલ મેચિંગ જેવી સંવેદનશીલ કાર્યવાહી પણ ખૂબ જ સારી રીતે પાર પાડવામાં આવી રહી છે. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU) ના સહયોગ અને સંકલનને કારણે DNA સેમ્પલ મેચિંગની કાર્યવાહી અત્યંત ઝડપથી આગળ વધી રહી છે. જેના પરિણામે 9 DNA સેમ્પલ સફળતાપૂર્વક મેચ કરવામાં આવ્યા છે, અને તેમાંથી એક મૃતદેહની ઓળખ કરીને તેમના પરિજનો પાર્થિવ દેહ સોંપવામાં આવ્યો છે.DNA મેચિંગની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મૃતકોના પાર્થિવ દેહ તેમના પરિજનોને સોંપવાની પ્રક્રિયા નીચે મુજબ હાથ ધરવામાં આવશે. જેની સર્વે સંબંધિતોને નોંધ લેવા વિનંતી છે.

નોંધાવવામાં આવેલા મોબાઇલ નંબર પર ફોન કરીને સંપર્ક કરવામાં આવશે
સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા મૃતકના જે સગાએ DNA સેમ્પલ આપ્યા છે. તેમને તેમના દ્વારા નોંધાવવામાં આવેલા મોબાઇલ નંબર પર ફોન કરીને સંપર્ક કરવામાં આવશે. પરિજનોને વિનંતી છે કે, તેઓ ફક્ત અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડેઝિગ્નેટેડ નંબર પરથી અધિકૃત વ્યક્તિ દ્વારા કરવામાં આવેલા ફોન કોલને જ ધ્યાને લે. આ કોલમાં જ DNA મેચ થયાની અને પાર્થિવ દેહ લેવા આવવાની જાણ કરવામાં આવશે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા જાહેર કરાયેલા અધિકૃત નંબરો નીચે મુજબ છે

પરિજનોનો સંપર્ક કરવા માટે કરવામાં આવી રહ્યો છે: 9429915911, 9429916096, 9429916118, 9429916378, 9429916608, 9429916622, 9429916682, 9429916758, 9429916771, 9429916875.

 પાર્થિવ દેહ સ્વીકારવા કોણે આવવું?

શક્ય હોય ત્યાં સુધી, જે નજીકના સગાએ DNA સેમ્પલ આપેલ છે, તેમણે પોતે આવવું તે અત્યંત ઇચ્છનીય છે. જો તેઓ આવી શકે તેમ ન હોય, તો મૃતકના અન્ય કોઈ નજીકના કુટુંબીજન આવી શકે છે. પાર્થિવ દેહ સ્વીકારવા આવનાર સગાએ પોતાની અને મૃતકની ઓળખ સ્થાપિત કરવા માટે નીચે મુજબના દસ્તાવેજો સાથે લાવવાના રહેશે.

આવનાર સગા એ પોતાનું આધાર કાર્ડ અથવા સરકાર દ્વારા માન્ય અન્ય કોઈ ફોટો ઓળખપત્ર (અસલ) સાથે રાખવું.

મૃતકનું ઓળખપત્ર: મૃતકનું આધાર કાર્ડ, પાસપોર્ટ, અથવા વોટર આઇડી કાર્ડ (અસલ અથવા નકલ) સાથે રાખવા.

મૃતક સાથેનું સગપણ સાબિત કરતો દસ્તાવેજ સાથે રાખવો. DNA સેમ્પલ આપતી વખતે નોંધાવેલો મોબાઇલ નંબર સાથે રાખવો.

 હોસ્પિટલ દ્વારા અપાનારા દસ્તાવેજો:

પાર્થિવ દેહની સાથે જ, મૃતકના સ્વજનને પોસ્ટમોર્ટમ (PM) રિપોર્ટ, ડેથ સર્ટિફિકેટ તેમજ અન્ય લીગલ કાર્યવાહી માટેના જરૂરી તમામ દસ્તાવેજો એક ફાઈલમાં તૈયાર કરીને હોસ્પિટલ તંત્ર દ્વારા સુપરત કરવામાં આવશે. જો મૃતકની ઓળખ કે સગપણનો કોઈ પુરાવો ઉપલબ્ધ ન હોય, તો સિવિલ હોસ્પિટલમાંથી ફોન આવ્યા બાદ આપના વિસ્તારની મામલતદાર, કલેક્ટર કે પ્રાંત અધિકારીની કચેરીનો સંપર્ક કરી માર્ગદર્શન મેળવવું.

ઉપરોક્ત દસ્તાવેજો સાથે મૃતકના સગાઓએ સિવિલ હોસ્પિટલના D2 બ્લોકની ઓફિસ સામે બનાવેલ કંટ્રોલ રૂમ ખાતે રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે. જો હોસ્પિટલ પહોંચવામાં કોઈ મુશ્કેલી જણાય, તો જે નંબર પરથી આપને ફોન આવ્યો હતો, તે જ નંબર પર સંપર્ક કરવાથી સંપૂર્ણ માર્ગદર્શન અને સહયોગ પૂરો પાડવામાં આવશે.

પાર્થિવ દેહના પરિવહન માટેની વ્યવસ્થા

સ્થાનિક પરિવહન (બાય રોડ): જે પરિજનો પાર્થિવ દેહને બાય રોડ પોતાના નિવાસસ્થાને લઈ જવા ઈચ્છે છે, તેમના માટે સરકારી તંત્ર દ્વારા ઘર સુધી મૃતદેહ પહોંચાડવા માટે નિઃશુલ્ક એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી છે.  જે પરિજનો પાર્થિવ દેહને અન્ય રાજ્ય કે દેશમાં હવાઈ માર્ગે લઈ જવા માંગતા હોય, તેમણે ફ્લાઇટના સમય અંગે અગાઉથી સંકલન કરવા વિનંતી છે. આ પ્રક્રિયામાં એર ઇન્ડિયા દ્વારા સંપૂર્ણ મદદ કરવામાં આવશે. આ દુઃખદ સમયે રાજ્ય સરકાર મૃતકોના પરિવારોની સાથે છે અને શક્ય તમામ મદદ કરવા માટે કટિબદ્ધ છે.

  • Follow us on: