અમદાવાદમાં પ્લેન ક્રેશની ઘટનામાં ગઢડા(સ્વામીના) તાલુકાના અડતાળા ગામના આશાસ્પદ યુવાન હાર્દિકભાઈ દેવરાજભાઇ અવૈયાનું 27 વર્ષની વયે વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થવાની કરૂણ ઘટના અને ડી.એન.એ. ટેસ્ટ પછી મૃતદેહ સોંપવાની સત્તાવાર જાહેરાત પછી ભારે ગમગીની વચ્ચે અંતિમવિધિ કરવામાં આવી હતી. આ દુર્ઘટનાના હતભાગી યુવક અને તેની વાગ્દત્તાનો ભોગ લેવાતા મૃતદેહની ઓળખ માટે મૃતકના મોટાભાઈ તરફથી ડી.એન.એ. ટેસ્ટ માટે સેમ્પલ આપવામાં આવ્યું હતુ. ત્યારબાદ ત્રીજા દિવસે મૃતદેહની ઓળખ થતા પરિવારજનોને વિધિવત મૃતદેહ સોંપવામાં આવ્યો હતો. આ મૃતદેહ વહેલી સવારે વતન અડતાળા ખાતે લાવતા કરૂણ ઘટનાના પગલે આખા ગામમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે.
જમીન વેચીને અભ્યાસ માટે લંડન મોકલ્યા હતો
દુર્ઘટનાગ્રસ્ત હાર્દિકભાઈ છેલ્લા ત્રણ વર્ષથી લંડનમાં અભ્યાસ અને નોકરી કરતા હતા. તેમના પિતા દેવરાજભાઈએ પુત્રના ઉજ્જવળ ભવિષ્ય માટે પોતાની જમીન વેચીને અભ્યાસ અને સારી જોબ માટે લંડન મોકલ્યા હતા. દેવરાજભાઈને પરિવારમાં બે પુત્રો અને ત્રણ પુત્રીઓ છે. જેમાં હાર્દિકભાઈ સૌથી નાના હતા. હજુ એકાદ મહિના પહેલાજ હાર્દિકભાઈની સગાઈ સુરતના કામરેજ તાલુકાના વિભૂતિબેન પટેલ સાથે કરવામાં આવી હતી. આ સગાઈ નિમિત્તે તેઓ વાગ્દત્તા સાથે કંકુ પગલા અને પરિવાર મિલન માટે વતનમાં આવ્યા હતા.
વિમાન દુર્ઘટનાએ ખુશીને માતમમાં ફેરવી નાખી
નવી નવી સગાઈ અને વિદેશમાં સારી નોકરીના કારણે પરિવારમાં ખુશીનો માહોલ હતો. પરંતુ વિધીની ક્રુરતાને પરિવારની ખુશી મંજૂર ના હોય વિમાન દુર્ઘટનાએ ખુશીને માતમમાં ફેરવી નાખી હતી. આ કાળની થપાટથી યુવાન પુત્ર અને પુત્રવધુ ગુમાવવા સાથે સામાન્ય ખેડૂત પરિવારે પેટ કાપીને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે જોયેલા સપના પણ ભસ્મીભૂત થઈ ગયા હતા. આજે સવારે ભારે હૈયે નીકળેલી અંતિમયાત્રામાં આખું અડતાળા ગામ ગમગીન બન્યું હતું. તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો અને સગા-સંબંધીઓએ અંતિમ વિદાય આપી હતી. ઉપરાંત ગઢડા મામલતદાર, પોલીસ ટીમ અને મેડિકલ ટીમ પણ હાજર રહી હતી.