અમદાવાદ પ્લેન ક્રેશના મૃતકોને શ્રદ્ધાંજલિ અપાશે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે આ નિર્ણય લીધો છે. રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં 2 મિનિટનું મૌન પાળીને તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. પ્રાથમિક શાળાઓમાં પ્રાર્થના બાદ 2 મિનિટનું મૌન પાળવામાં આવશે. 16 જૂન સોમવારે શાળામાં તમામ પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ પ્લેન ક્રેશના મૃતકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરશે અને 2 મિનિટનું મૌન પાળશે. તમને જણાવી દઈએ કે આ પ્લેન ક્રેશમાં પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું પણ નિધન થયું છે.


મૃતકોના પરિવારને ઓન ધ સ્પોટ ડેથ સર્ટિફિકેટ મળી રહેશે: રાહત કમિશનર આલોક પાંડે

રાહત કમિશનર આલોક પાંડેએ નિવેદન આપતા કહ્યું કે ગુજરાતના 33માંથી 18 જિલ્લામાંથી મૃતકો છે. તમામ મૃતકોના પરિવારો સાથે વાત થઈ છે, 230 ટીમ બનાવીને મૃતદેહ સોંપવાની કામગીરી કરવામાં આવી રહી છે. હાલમાં DNA સેમ્પલ આપેલું છે તે આઇકાર્ડ લઈને આવે. મૃતકોના પરિવારને ઓન ધ સ્પોટ ડેથ સર્ટિફિકેટ મળી રહેશે અને ડેપ્યુ. કલેકટર કક્ષાના અધિકારી એમ્બ્યુલન્સ સાથે હશે.

19 DNAના સેમ્પલ મેચ થતા મૃતકની થઈ ઓળખ: હર્ષ સંઘવી

અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ હાલમાં મૃતકોની ઓળખ માટે DNA ટેસ્ટની કામગીરી ચાલી રહી છે. તેની વચ્ચે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર માહિતી શેર કરતા કહ્યું કે 19 DNAના સેમ્પલ મેચ થતાં મૃતકની ઓળખ થઈ છે. FSL, NFSUમાં DNA મેચિંગની પ્રક્રિયા ચાલી રહી છે. 19 મૃતદેહના DNA પરિવારજન સાથે મેચ થયા છે. અત્યાર સુધી 5 મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે મૃતદેહોની ઓળખ માટે DNA ટેસ્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. એક બાદ એક મૃતદેહ પરિવારને સોંપાઈ રહ્યા છે અને અન્ય મૃતદેહોની ઓળખ માટે કામગીરી યથાવત ચાલી રહી છે. DNA મેચ થયા બાદ ફોન પર પરિવારને જાણ કરાશે.


  • Follow us on: