અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ હાલમાં મૃતકોની ઓળખ માટે DNA ટેસ્ટની કામગીરી ચાલી રહી છે. તેની વચ્ચે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર માહિતી શેર કરતા કહ્યું કે 19 DNAના સેમ્પલ મેચ થતાં મૃતકની ઓળખ થઈ છે. FSL, NFSUમાં DNA મેચિંગની પ્રક્રિયા ચાલી રહી છે. 19 મૃતદેહના DNA પરિવારજન સાથે મેચ થયા છે. અત્યાર સુધી 5 મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે મૃતદેહોની ઓળખ માટે DNA ટેસ્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. એક બાદ એક મૃતદેહ પરિવારને સોંપાઈ રહ્યા છે અને અન્ય મૃતદેહોની ઓળખ માટે કામગીરી યથાવત ચાલી રહી છે. DNA મેચ થયા બાદ ફોન પર પરિવારને જાણ કરાશે.
36 DNAના નિષ્ણાંતો દ્વારા 24 કલાક મેચિંગ પરીક્ષણો
અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશ મામલે FSL ગાંધીનગરના ડિરેક્ટર એચ.પી.સંઘવીએ DNA પરીક્ષણની વિગતો આપતા જણાવ્યું હતું કે, અમદાવાદ ખાતે થયેલી વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પેસેન્જરોની ઓળખ વૈજ્ઞાનિક પદ્ધતિથી DNA સેમ્પલને મેચ કરાવીને કરવામાં આવી રહી છે. જે અંતર્ગત અમદાવાદ અને ગાંધીનગરની FSL તેમજ NFSUની પ્રયોગશાળામાં આ પેસેન્જરોના વારસદારો કે નજીકના પરિવારજનોના DNA સેમ્પલ લઈને મેચિંગની પ્રક્રિયા ખૂબ ઝડપથી થઈ રહી છે. તેમણે જણાવ્યું કે, હાલમાં રાજ્યમાં DNA પરીક્ષણની ખૂબ સારી વ્યવસ્થા છે. DNA મેચિંગ પરીક્ષણ માટેની કિટ્સ સાથેની તમામ સાધન સુવિધાઓ પણ પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ છે. જેના પરિણામે લગભગ 36 DNAના નિષ્ણાંતો દ્વારા સતત 24 કલાક મેચિંગ માટેના પરીક્ષણો ચાલુ છે.
મૃતકની ઓળખ કરવામાં સમય લાગતો હોય છે
ડિરેક્ટરએ જણાવ્યું કે પ્લેન જ્યારે ક્રેશ થાય છે, ત્યારે તેની અંદર ખૂબ મોટી જ્વાળાઓ ઉત્પન્ન થાય છે જેના કારણે તાપમાન ખૂબ જ વધી જતું હોય છે. આવા સંજોગોમાં અકસ્માતનો ભોગ બનેલા પેસેન્જરોના શરીરમાં રહેલા DNA કે જેના થકી ઓળખ કરવાની હોય છે, તે ખૂબ ઓછી માત્રામાં મળતા હોય છે. આ ઉપરાંત DNA સેમ્પલના પરીક્ષણની પ્રક્રિયા વિવિધ તબક્કાઓમાં થતી ખૂબ જટિલ પ્રકારની હોય છે. જેના કારણે મૃતકની ઓળખ કરવામાં સમય લાગતો હોય છે.