અમદાવાદના રામોલ વિસ્તારમાં આવેલી ફટાકડા ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટ કેસની તપાસમાં મહત્વના ખુલાસા સામે આવ્યા છે. સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની તપાસમાં જાણવા મળ્યું છે કે ફેક્ટરીમાં રાખવામાં આવેલા અલગ-અલગ ત્રણ કેમિકલ ભેગા થતાં જ જોરદાર વિસ્ફોટ થયો હતો. તપાસ દરમિયાન ફેક્ટરીમાંથી મોટી માત્રામાં વિસ્ફોટક સામગ્રી મળી આવી હતી.
100 કિલો પોટેશિયમ નાઈટ્રેટનો જથ્થો મળી આવ્યો
SITના જણાવ્યા અનુસાર, તપાસ દરમિયાન અંદાજે 100 કિલો પોટેશિયમ નાઈટ્રેટનો જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત ફેક્ટરીમાંથી 40 કિલો એલ્યુમિનિયમ પાવડર પણ ઝડપાયો હતો. આ બંને સામગ્રી ફટાકડા બનાવવાની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવામાં આવતી મહત્વની વસ્તુઓ છે. તપાસમાં એક મહત્વનો મુદ્દો એ પણ સામે આવ્યો છે કે આ પ્રકારના કેટલાક કેમિકલ પર સરકાર તરફથી સીધું નિયંત્રણ ન હોવાનું જાણવા મળ્યું છે. SITએ કેમિકલના નિયમો અંગે પેસો (PESO - Petroleum and Explosives Safety Organisation) પાસેથી માહિતી મેળવી છે.
કેમિકલ રાખવા કે વેચવા લાયસન્સની જરૂર નથી
SIT દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ, એક્સપ્લોઝિવ રૂલ્સ 1983 હેઠળ કેટલાક કેમિકલના સંગ્રહ, વેચાણ અથવા હેરફેર માટે ખાસ લાયસન્સ કે મંજૂરીની જરૂરિયાત ન હોવાનું સામે આવ્યું છે. જેના કારણે આવા કેમિકલના ઉપયોગ અને સંગ્રહ અંગે નિયમનનો અભાવ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
જવાબદાર વ્યક્તિ સામે વધુ કાર્યવાહી થઈ શકે
રામોલ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ બાદ સુરક્ષા વ્યવસ્થા અને કેમિકલના નિયમોને લઈને અનેક સવાલો ઊભા થયા છે. SIT હવે ફેક્ટરીમાં કેમિકલ કેવી રીતે પહોંચ્યા, તેનો ઉપયોગ કઈ રીતે થતો હતો અને બેદરકારી ક્યાં રહી તેની વધુ તપાસ કરી રહી છે. આ કેસમાં કેમિકલના સંગ્રહ અને ફટાકડા બનાવવાની પ્રક્રિયામાં રહેલી ખામીઓ અંગે પણ તપાસ ચાલી રહી છે. SITની અંતિમ તપાસ રિપોર્ટ બાદ આ સમગ્ર ઘટનામાં જવાબદાર વ્યક્તિઓ સામે વધુ કાર્યવાહી થઈ શકે છે.
આ પણ વાંચો : Patan News: સત્તાના નશામાં અરજદારનો મોબાઈલ તોડનાર ચીફ ઓફિસર હિરલ ઠાકર સામે ફરિયાદ નોંધાઈ