પાટણમાં ભૂગર્ભ ગટરની સમસ્યા અંગે રજૂઆત કરવા પહોંચેલા એક અરજદાર સાથે ગેરવર્તણૂક કરવા મામલે પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકર સામે પોલીસ ફરિયાદ નોંધાતાં ચકચાર મચી ગઈ છે.અરજદાર જ્યારે ભૂગર્ભ ગટર અંગેની પોતાની રજૂઆત દરમિયાન સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારી રહ્યા હતા ત્યારે ચીફ ઓફિસરે તેમની સાથે ઝપાઝપી કરી હતી અને તેમનો મોબાઈલ ફોન આંચકીને તોડી નાખ્યો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.આ સમગ્ર મામલે પીડિત અરજદારની રજૂઆતના આધારે પાટણ એ ડિવિઝન પોલીસ મથકે ચીફ ઓફિસર હિરલ ઠાકર વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

અરજદારને કચેરીમાંથી હડધૂત કરીને કાઢી મૂક્યા હતા

પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરની વધુ એક વખત સરમુખત્યારશાહી અને ઉદ્ધત વર્તન સામે આવતા શહેરમાં ભારે ચકચાર મચી ગઈ હતી. પાટણના વોર્ડ નંબર 11 અને વોર્ડ નંબર 6માં ઘણા સમયથી ઉભરાતી ભૂગર્ભ ગટરની ગંભીર સમસ્યાથી સ્થાનિક રહીશો ત્રસ્ત છે.આ અંગે જ્યારે જાગૃત અરજદારો નગરપાલિકા કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા ત્યારે ચીફ ઓફિસરે પ્રજાના સેવક હોવાનું ભૂલીને અરજદારોની વાત સાંભળવાના બદલે તેમની સાથે ગેરવર્તન કરી કચેરીમાંથી હડધૂત કરીને કાઢી મૂક્યા હતા. આ રજૂઆત દરમિયાન એક અરજદારે ચીફ ઓફિસરના ઉદ્ધત વર્તનની પોતાના મોબાઈલ કેમેરામાં વીડિયોગ્રાફી કરવાનું શરૂ કર્યું હતું. 

સત્તાના નશામાં અરજદારનો મોબાઈલ તોડ્યો

આ જોતાં જ ચીફ ઓફિસર એકાએક ઉશ્કેરાઈ ગયા હતા અને સત્તાના નશામાં અરજદારના હાથમાંથી મોબાઈલ ફોન બળજબરીપૂર્વક ઝૂંટવી લીધો હતો.તેમણે આ ફોન જમીન પર જોરથી પછાડીને તેનો કચ્ચરઘાણ વાળી દીધો હતો.ચીફ ઓફિસરની આ ખુલ્લી તાનાશાહીથી હેબતાઈ ગયેલા અરજદારો તાત્કાલિક પાટણ એ ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યા હતા અને સરકારી અધિકારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માટે લેખિત અરજી આપી હતી.જનતાની મૂળભૂત સુવિધાઓની રજૂઆત કરવા ગયેલા સામાન્ય નાગરિકો સાથે પાલિકાના સર્વોચ્ચ અધિકારી દ્વારા કરાયેલા આ પ્રકારના અમાનવીય વર્તનને પગલે સ્થાનિક લોકમુખે ભારે ફિટકારની લાગણી વરસી રહી છે. 

આ પણ વાંચોઃ Jamnagar News: આયુર્વેદિક યુનિવર્સિટીમાં પેપર લીક મામલે ABVP અને NSUIએ વિરોધ નોંધાવ્યો