સમગ્ર દેશમાં પેપર લીકના બનાવો સામે આવ્યાં છે. દિલ્હીના જંતર મંતર પર નીટ પેપર લીક મામલે પ્રદર્શનો થયાં અને આખરે કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ રાજીનામું આપવું પડ્યું છે. ત્યારે આ પ્રદર્શન શાંત થતાં જ ગુજરાતમાં જામનગરમાં આયુર્વેદિક યુનિવર્સિટીમાં પેપર લીકનો મામલો સામે આવ્યો છે. આ મામલે તપાસ કરવા એક સમિતિની રચના કરવામાં આવી છે. આ પેપર લીકની ઘટનાને કારણે વિદ્યાર્થી સંગઠનોમાં પણ રોષ ફેલાયો છે. જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની પણ માગ કરવામાં આવી છે.
ABVP અને NSUIએ વિરોધ નોંધાવ્યો
જામનગરની ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી પણ વિવાદમાં આવી છે.BAMSના ત્રીજા વર્ષનું પેપર લીક થયાની આશંકાને લઈને વિદ્યાર્થી સંગઠનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.પેપર લીક જેવી ગંભીર ઘટનાથી હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં થયા હોવાનો આક્ષેપ કરીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.ભાજપ અને કોંગ્રેસના વિદ્યાર્થી સંગઠન ABVP અને NSUIએ આ બાબતે વિરોધ નોંધાવી તટસ્થ તપાસની માગ કરી છે. હાલ સમગ્ર મામલે વિદ્યાર્થી સંગઠનો દોષિતોને કડક સજા કરવાની માગ પર અડગ છે.હવે યુનિવર્સિટી તંત્ર અને તપાસ સમિતિ આ સમગ્ર વિવાદમાં શું નિર્ણય લે છે તેના પર સૌની નજર રહેલી છે.
