'નામમાં શું છે' એમ ભલે કહેવામાં આવતું હોય, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના 48 વોર્ડમાંથી ચૂંટાઈ આવતા કોર્પોરેટરોની માનસિકતા એવી છે કે "ભલે અમે રહીએ કે ના રહીએ, પણ અમારું નામ રહેવું જોઈએ." પોતાનું નામ ચમકાવવાની આ હોડમાં પ્રજાના ટેક્સના નાણાંનો બેફામ વ્યય કરવામાં આવી રહ્યો છે. ગત ટર્મના 192 કોર્પોરેટરોએ પોતાના વોર્ડમાં બાંકડા અને નામની તકતીઓ (સાઈનબોર્ડ) મૂકવા પાછળ અંદાજે ₹50 કરોડનું આંધણ કર્યું હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે.
48 વોર્ડમાં નામના બોર્ડ અને બાંકડા પાછળ અધધ ખર્ચ
મળતી વિગતો અનુસાર, વર્ષ 2021-22 અને વર્ષ 2022-23માં દરેક કોર્પોરેટરને વાર્ષિક ₹30 લાખનું બજેટ મળતું હતું, જેમાં વધારો કરીને વર્ષ 2023-24થી વાર્ષિક ₹40 લાખ કરવામાં આવ્યું છે. મ્યુનિ.ના નિયમ મુજબ કોઈ પણ કોર્પોરેટર પોતાના કુલ બજેટના 10 ટકા રકમ બાંકડા મુકાવવા પાછળ ખર્ચ કરી શકે છે, જે મુજબ દરેક કોર્પોરેટર પોતાના વોર્ડમાં ₹3 થી ₹4 લાખ સુધીના બાંકડા મુકાવી શકે છે.
નામ પ્રદર્શિત કરતા સાઈનબોર્ડ પણ મુકાવવામાં આવ્યા
કોર્પોરેશન તરફથી નક્કી કરાયેલા દર મુજબ એક સાદા સિમેન્ટના બાંકડાની કિંમત ₹1,800 થી ₹5,400 સુધી અપાય છે, જ્યારે સ્ટીલના બાંકડાની કિંમત ₹9,000 સુધી ચૂકવવામાં આવી છે. આ ઉપરાંત, દરેક કોર્પોરેટર દ્વારા તેમના વોર્ડના વિવિધ વિસ્તારમાં આવેલી ચાલીઓ, પોળો અને સોસાયટીની બહાર તેના નામ સાથે પોતાનું નામ પ્રદર્શિત કરતા સાઈનબોર્ડ પણ મુકાવવામાં આવ્યા છે.
ચાર વર્ષમાં કોર્પોરેટરોના ₹268.80 કરોડના કુલ બજેટમાંથી બાંકડા-બોર્ડ પાછળ વપરાયેલી રકમ
| વર્ષ | 192 કોર્પોરેટરનું કુલ બજેટ (કરોડમાં) | કુલ વપરાયેલ બજેટ (કરોડમાં) | વપરાશની ટકાવારી | બાંકડા-સાઈનબોર્ડ પાછળ ખર્ચ (કરોડમાં) |
| 2021-22 | 57.60 | ₹37.00 | 64.24% | અંદાજે ₹7.40 થી ₹9.25 |
| 2022-23 | 57.60 | ₹48.20 | 83.68% | અંદાજે ₹9.64 થી ₹12.05 |
| 2023-24 | ₹76.80 | ₹62.70 | 81.64% | અંદાજે ₹12.54 થી ₹15.67 |
| 2024-25 | ₹76.80 | ₹53.70 | 69.92% | અંદાજે ₹10.74 થી ₹13.42 |
તૂટેલા રોડ અને ગટરના ઢાંકણા રીપેર કરવા પ્રજાની માંગ
એક તરફ અમદાવાદના અનેક વિસ્તારોમાં નાગરિકો પ્રાથમિક સુવિધાઓ માટે વલખાં મારી રહ્યા છે, ત્યારે બીજી તરફ નેતાઓમાં પ્રજાના પૈસે પોતાના નામનો પ્રચાર કરવાની સ્પર્ધા જામી છે. શહેરમાં ઠેર-ઠેર તૂટેલા રોડ, ખાડાઓ અને ખુલ્લા કે તૂટેલા ગટરના ઢાંકણાના કારણે વાહનચાલકો અને રાહદારીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
નામ ચમકાવતા બાંકડા અને સાઈનબોર્ડ પાછળ ખર્ચ
આવી સ્થિતિમાં કોર્પોરેટરો દ્વારા વિકાસના નક્કર કામો કરવાને બદલે માત્ર નામ ચમકાવતા બાંકડા અને સાઈનબોર્ડ પાછળ ₹50 કરોડ ખર્ચી નાખવામાં આવતા શહેરીજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નાગરિકોની સ્પષ્ટ માંગ છે કે અમને બાંકડા નહીં, પરંતુ સારા રોડ-રસ્તાની સુવિધા અને તૂટેલા રોડ તથા ગટરના ઢાંકણા તાત્કાલિક રીપેર કરીને આપવામાં આવે.
આ પણ વાંચો: Gandhinagar: ગુજરાત પોલીસમાં લોકરક્ષક કેડરની 12,752 જગ્યાઓ પર બમ્પર ભરતી, બિનહથિયારી કોન્સ્ટેબલની 8,233 અને SRPFની 3,107 જગ્યાઓ