અમદાવાદમાં NHSRCLના બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ એક અત્યંત મહત્વપૂર્ણ એન્જિનિયરિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. શહેરમાં અનુપમ બ્રિજ પરથી 1000 મેટ્રિક ટનથી વધુ વજન ધરાવતો સ્ટીલનો બ્રિજ એક જ રાતમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ કામગીરીની સૌથી મોટી ખાસિયત એ રહી છે કે, આટલું વિશાળ માળખું મૂકવા છતાં સામાન્ય જનતા કે વાહનવ્યવહારને કોઈ પણ પ્રકારની ખલેલ પહોંચાડવામાં આવી નથી. રાત્રિના સમયગાળા દરમિયાન ખૂબ જ ચોકસાઈ અને આધુનિક તકનીકનો ઉપયોગ કરીને આ વજનદાર બ્રિજને તેની નિર્ધારિત જગ્યાએ બેસાડવામાં આવ્યો છે.

બુલેટ ટ્રેનનો રૂટ 100 ફૂટની ઊંચાઈ પર તૈયાર કરાયો

અમદાવાદની મુલાકાતે આવેલા કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંગે કહ્યું હતું કે, વર્ષ 2027ના ઓગસ્ટ સુધીમાં હાઇસ્પીડ કોરિડોર પર ટ્રેન સેવા શરૂ કરી દેવાશે. તેમણે કાલુપુર રેલવે સ્ટેશનની મુલાકાત લઈને બુલેટ ટ્રેન અને મેટ્રો પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા કરી હતી. તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં બુલેટ ટ્રેનનું આશરે 80 ટકા જેટલું સિવિલ કામ પૂર્ણ થઈ ગયું છે.અમદાવાદમાં બુલેટ ટ્રેનનો રૂટ 100 ફૂટની ઊંચાઈ પર તૈયાર કરાયો છે. આ રૂટ પર ટ્રેક પાથરવાની કામગીરી શરૂ કરાઈ છે. 

જનતા માટે 500 કિ.મીનો કોરિડોર તબક્કાવાર ખોલાશે.

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે, સામાન્ય જનતા માટે 500 કિ.મીનો કોરિડોર તબક્કાવાર ખોલાશે. વર્ષ 2027માં સુરતથી બીલીમોરા વચ્ચે આ કોરિડોર શરૂ કરાશે. ત્યાર બાદ વાપીથી સુરત અને સુરતથી વાપી સુધી બુલેટ ટ્રેન દોડશે. રેલવે મંત્રાલયના અંદાજ પ્રમાણે 2029 સુધીમાં તમામ સેક્શનો પરનું કામ પૂર્ણ થશે. ત્યાર બાદ મુસાફરો અમદાવાદથી સીધા જ મુંબઈ સુધી બુલેટ ટ્રેનની સફર માણી શકશે. 

આ પણ વાંચોઃ Amreli Rain: અમરેલી જિલ્લામાં જળબંબાકાર જેવી સ્થિતિ, ખાંભામાં 8 અને રાજુલામાં 7 ઈંચ વરસાદ ખાબક્યો