અમદાવાદ શહેરના સી.જી.રોડ અને મ્યુનિસિપલ માર્કેટ વિસ્તારમાં પોલીસ અને ટ્રાફિક વિભાગ દ્વારા મોડી રાત્રે એકાએક મેગા ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું.રાત્રિના સમયે રસ્તાઓ પર સ્ટંટબાજી કરતા, મોડિફાઇડ સાઇલેન્સરથી અવાજ પ્રદૂષણ ફેલાવતા અને ટ્રાફિકના નિયમોનો સરેઆમ ભંગ કરતા અસામાજિક તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે.આ સ્પેશિયલ ઓપરેશન દરમિયાન માત્ર 6 કલાકના ટૂંકા ગાળામાં જ પોલીસે કાયદાનો ભંગ કરતા કુલ 106 વાહનોને ડિટેઇન કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
SHE ટીમ અને સ્થાનિક પોલીસની સંયુક્ત કાર્યવાહી
સી.જી. રોડ અને તેની આસપાસના વિસ્તારોમાં મોડી રાત્રે રોમિયોગીરી કરતા તત્વો અને નિયમભંગ કરનારાઓનો ત્રાસ વધી રહ્યો હોવાની ફરિયાદો મળી રહી હતી. ખાસ કરીને રાત્રિના સમયે ખરીદી કરવા કે ફરવા નીકળતી મહિલાઓ, યુવતીઓ અને સીનિયર સિટિઝન્સની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ એક્શન મોડમાં આવી હતી. નવરંગપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને સ્પેશિયલ SHE ટીમ આ મેગા ડ્રાઇવ માટે રસ્તા પર ઉતરી હતી.પોલીસે વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરીને લાયસન્સ વગર વાહન ચલાવતા, નિયમ વિરુદ્ધની ફેન્સી નંબર પ્લેટ લગાવનારા અને મોડિફાઇડ સાઇલેન્સર વાપરીને ભયજનક રીતે વાહન હંકારતા ચાલકો સામે કડક પગલાં ભર્યા હતા.લક્ઝુરિયસ કાર સહિત ટુ-વ્હીલર્સ જપ્તપોલીસની આ કડક કાર્યવાહીમાં માત્ર સામાન્ય વાહનો જ નહીં, પરંતુ નિયમોનું ઉલ્લંઘન કરતી લક્ઝુરિયસ ફોર-વ્હીલર કાર પણ ઝપટે ચડી હતી.
નંબર પ્લેટ વગરના 21 વાહનો જપ્ત કર્યા
પોલીસે ફેન્સી નંબર પ્લેટ અને નંબર પ્લેટ વગરના 21 વાહનો જપ્ત કર્યા હતા.જેમાં થાર, કિયા અને સ્કોર્પિયો જેવી કારનો પણ સમાવેશ થાય છે.આ ઉપરાંત, રાત્રિના સમયે સી.જી.રોડ પરથી ડિટેઇન કરાયેલા 106 વાહનોમાં મોટી સંખ્યામાં ટુ-વ્હીલર્સ સામેલ હતા. આ મેગા ડ્રાઇવ અંગે માહિતી આપતા ઝોન-1 ના DCP ડૉ. હર્ષદ પટેલે જણાવ્યું હતું કે, શહેરમાં શાંતિ અને સુરક્ષાનું વાતાવરણ જળવાઈ રહે તે અમારી પ્રાથમિકતા છે.ખાસ કરીને સી.જી. રોડ જેવા વ્યસ્ત વિસ્તારોમાં મોડી રાત્રે મહિલાઓ અને સીનિયર સિટિઝન્સ નિર્ભયપણે હરી-ફરી શકે તે માટે આ ખાસ ડ્રાઇવ રાખવામાં આવી હતી.જે લોકો કાયદાનો આદર નથી કરતા, ફેન્સી નંબર પ્લેટ રાખે છે કે સાઇલેન્સરમાં ફેરફાર કરીને અવાજ કરે છે. તેમની સામે આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે.
પોલીસની ગાડીઓ સામે પણ તપાસ
બીજી તરફ આજે સવારથી જ પોલીસ સામે પોલીસે જ તપાસ શરૂ કરી છે. પોલીસની પ્લેટ વાળા અને બ્લેક ફિલ્મ વાળા કાચ ધરાવતી પોલીસની ગાડીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. આ દરમિયાન ગાંધીનગરમાં ખુદ રાજ્યના પોલીસ વડાની કચેરી પાસે જ નિયમોનો ઉલાળિયો જોવા મળ્યો હતો. કેટલીક ગાડીઓમાં બ્લેક ફિલ્મ લગાવેલી હતી. તો કેટલીક ગાડીઓમાં પોલીસ લખેલી પ્લેટ પણ જોવા મળી હતી. પોલીસ વડા દ્વારા જ નક્કી કરવામાં આવેલા નિયમોનો જાણે પોલીસ કર્મચારીઓ જ ઉલાળિયો કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતાં.
આ પણ વાંચોઃ Gujarat News: અમદાવાદમાં ખાનપુર સ્થિત ભાજપ કાર્યાલય અને સોમનાથ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી