અમદાવાદ શહેરને નશામુક્ત બનાવવા માટે પોલીસ તંત્ર દ્વારા સઘન મેગા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર અને હેરાફેરી સામે ચાલી રહેલી કડક કાર્યવાહી અંતર્ગત વર્ષ 2026ના ઓક્ટોબર સુધીમાં NDPSના 188 કેસ નોંધાયા છે.આ કેસોમાં પોલીસે 286 આરોપીઓની ધરપકડ કરીને રૂ.42 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસનું આ અભિયાન ચાલુ હોવા છતાં શહેરમાં વારંવાર વિદેશી દારુ અને ડ્રગ્સ સહિતના માદક દ્રવ્યો ઝડપાઈ રહ્યાં છે.
ડ્રગ્સ માફિયાઓ સામે પોલીસ તંત્ર સતત સક્રિય
ગત વર્ષના ઓક્ટોબર માસ સુધીમાં નોંધાયેલા NDPSના 55 કેસોની સામે ચાલુ વર્ષે સમાન ગાળામાં 133 કેસનો વધારો નોંધાયો છે.આ વધારા સાથે પોલીસની સક્રિય કામગીરીમાં સીધો 240 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.નશીલા પદાર્થોના દૂષણને ડામી દેવા માટે શહેરના તમામ 48 પોલીસ સ્ટેશનોમાં ખાસ એન્ટી નાર્કોટિક સેલ કાર્યરત કરી દેવામાં આવ્યા છે.જેમાં કુલ 240 જેટલા સમર્પિત અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે.આ ઉપરાંત ઝીણવટભરી દેખરેખ માટે સેક્ટર-1 અને સેક્ટર-2માં અલગ એન્ટી નાર્કોટિક વિંગ પણ ઊભી કરવામાં આવી છે.આ સમગ્ર વ્યવસ્થાની સાથે સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ એટલે કે SOG અને ક્રાઈમ બ્રાન્ચની વિશેષ ટીમો પણ ડ્રગ્સ માફિયાઓ સામે સતત સક્રિય રહીને સંયુક્ત કાર્યવાહી કરી રહી છે.
