અમદાવાદ શહેરના ગોતા વિસ્તારમાં જમીન ધસી જવાની દુર્ઘટનાને પગલે ચિંતાજનક સ્થિતિનું નિર્માણ થયું છે. આ ઘટના બાદ તાત્કાલિક પગલાં ભરીને શાયોના શિખર 2 તેમજ શાયોના શિખર 3 બિલ્ડિંગને ખાલી કરાવી દેવામાં આવ્યા છે. તહેવારોના દિવસોમાં આવેલી મુશ્કેલીના કારણે 21 પરિવારોને પોતાના મકાનો છોડીને હોટલમાં રહેવા જવું પડ્યું છે. આ તમામ પરિવારોએ ભારે વ્યથા ઠાલવતાં જણાવ્યું છે કે, હોટલમાં બધી સગવડ હોય પણ ઘર એ ઘર કહેવાય. પોતાના ઘરમાં જે શાંતિ મળે તે હોટલમાં ક્યારેય મળી શકે નહીં. સ્થાનિક રહીશો હવે એવો ગંભીર સવાલ કરી રહ્યા છે કે આખરે ક્યારે અમે અમારા મકાનમાં જઈશું?
ઘર વિના ભટકવાનો વારો આવતાં રહીશોની મુશ્કેલી વધી
તહેવારના આ દિવસોમાં ઘર વિના ભટકવાનો વારો આવતાં રહીશોની મુશ્કેલી વધી ગઈ છે અને દેવદિવાળી સુધી અમે ક્યાં રહીશું તેવો ચિંતાજનક પ્રશ્ન પણ તેમણે ઉઠાવ્યો છે. બીજી તરફ સ્થાનિક લોકોમાં તંત્રની કામગીરી સામે ભારોભાર નારાજગી જોવા મળી રહી છે. લોકોએ સીધો આક્ષેપ કર્યો છે કે અહીં બધો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને આ બાબત મનપાની ઘોર બેદરકારી છે. રહીશોએ વેધક સવાલ ઉઠાવ્યો છે કે જો બાંધકામનો પરવાનો નહોતો તો કેમ ખાડા ખોદવામાં આવ્યા? પરવાનગી વગર આટલું મોટું ખોદકામ થઈ રહ્યું હતું છતાં તંત્ર કેમ ઊંઘતું ઝડપાયું તેવો રોષ લોકોએ વ્યક્ત કર્યો છે. મનપાની લાપરવાહીને કારણે આજે પરિસ્થિતિ અત્યંત વણસી ગઈ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.
