રાજકોટની હોટેલ સરાઝામાં યોજાયેલી દારૂ પાર્ટી કેસમાં પોલીસની ભૂમિકા સામે અનેક ગંભીર સવાલો ઊભા થયા છે. જેમાં દારૂ પાર્ટીની એફઆઈઆરમાં એક પણ મહિલાનું નામ ન નોંધાતાં મોટો વિવાદ સર્જાયો છે. પાર્ટી સ્થળેથી લેડીઝ બ્રાન્ડનો દારૂ પણ મળી આવ્યો હોવા છતાં અને હોટેલના સામાન્ય વેઈટર સામે એફઆઈઆર નોંધાઈ હોવા છતાં માલેતુજારોની પત્નીઓ અને ધનિક મહિલાઓને બચાવવા માટે પોલીસે હવાતિયાં માર્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. બ્લડ રિપોર્ટના નામે મહિલાઓને બચાવવાનો પ્રયાસ થતો હોવાની ચર્ચા વચ્ચે સવાલ એ પણ ઉઠ્યો છે કે જો રિપોર્ટ આવ્યા વિના જ પુરુષો સામે ફરિયાદ દાખલ થઈ શકતી હોય, તો મહિલાઓ માટે કાયદાના નિયમો કેમ બદલાઈ ગયા?

પોલીસ કામગીરીની શંકાસ્પદ નીતિ સામે સવાલો ઊભા થયા

ડીસીપીના નિવેદન મુજબ પ્રથમ દ્રષ્ટિએ મહિલાઓએ દારૂ નથી પીધો અને બ્રેથ એનાલાઈઝરની તપાસમાં એક પણ મહિલા પોઝિટિવ આવી ન હોવાથી તેમને છોડી દેવામાં આવી હતી. જોકે, આ સ્પષ્ટતા સામે પણ લોકમુખે ભારે વિરોધ જોવા મળી રહ્યો છે કે શું પ્રોહિબિશન કાયદો મહિલાઓને લાગુ નથી પડતો અથવા કાયદામાં તેમને કોઈ વિશેષ છૂટ આપવામાં આવી છે. કાયદા મુજબ દારૂ પીવો એ જેટલો ગુનો છે તેટલું જ દારૂની મહેફિલમાં હાજર રહી તેને પ્રોત્સાહન આપવું પણ ગુનો જ બને છે. આ સંજોગોમાં પોલીસે કોઈ ઉચ્ચ કક્ષાની ભલામણ અને લાગવગના કારણે મહિલાઓને કાયદાની છટકબારીનો લાભ અપાવી દીધો હોવાના ગંભીર આરોપો સાથે સમગ્ર પોલીસ કામગીરીની શંકાસ્પદ નીતિ સામે સવાલો ઊભા થયા છે.

નોટિસ આપીને મામલો રફેદફે કરવાનો પ્રયાસ થશે?

સામાન્ય નાગરિક કે શ્રમિક દારૂની સામાન્ય બોટલ સાથે ઝડપાય તો પોલીસ તાત્કાલિક જેલના સળિયા પાછળ ધકેલી ફોટો-વીડિયો વાયરલ કરતી હોય છે.આ કેસમાં શાસક પક્ષ ભાજપના ધારાસભ્યના સગા ભાઈનું નામ આવતાં જ પોલીસ પર ઉચ્ચ સ્તરેથી દબાણ લાવવામાં આવી રહ્યું હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.શું પોલીસ મનીષ વરમોરાની કાયદેસર ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરશે કે પછી માત્ર 169 મુજબ નોટિસ આપીને મામલો રફેદફે કરવાનો પ્રયાસ થશે, તેના પર સમગ્ર રાજ્યની નજર ટકેલી છે.

33 મહિલાઓ અને 43 પુરુષો સહિત 75 થી વધુ લોકો સામેલ હતા

હોટેલ સરાઝામાં યોજાયેલી મહેફિલમાં 33 મહિલાઓ અને 43 પુરુષો સહિત 75 થી વધુ લોકો સામેલ હતા. આ કાંડમાં સૌથી મોટો ધડાકો ત્યારે થયો જ્યારે ધ્રાંગધ્રાના ભાજપના ધારાસભ્ય પ્રકાશ વરમોરાના ભાઈ અને વરમોરા ગ્રેનિટોના એમડી મનીષ વરમોરાનું નામ પણ મહેફિલમાં સામે આવ્યું.પોલીસે આ મામલે 38 લોકો સામે નામજોગ ગુનો નોંધ્યો છે, પરંતુ સવાલ એ ઊભો થાય છે કે શું સત્તાધારી પક્ષના ધારાસભ્યના ભાઈ સામે કાયદો એ જ કડકાઈથી કામ કરશે જે સામાન્ય નાગરિક સામે કરે છે? કે પછી રાજકીય દબાણ હેઠળ તપાસ ફાઈલોમાં જ દબાઈ જશે?

આ પણ વાંચોઃ Rajkot News: સૌરાષ્ટ્ર કચ્છમાં PGVCLની 6 મહિનાની ડ્રાઈવમાં 183 કરોડની વીજચોરી ઝડપાઈ