સૌરાષ્ટ્ર અને કચ્છમાં છેલ્લા છ મહિના દરમિયાન PGVCLની ટુકડીઓએ કરેલી સઘન તપાસમાં કરોડોની વીજ ચોરીનો પર્દાફાશ થયો છે.વીજ સંકટ વચ્ચે પણ ડ્રાઈવ યથાવત રાખી 1 એપ્રિલથી 15 ઓક્ટોબર સુધી કુલ 2.28 લાખથી વધુ વીજ જોડાણો તપાસવામાં આવ્યા હતા. જેમાં સરેરાશ 14.53% જોડાણોમાં ચોરી કે ગેરરીતિ મળી હતી અને કુલ 183 કરોડથી વધુની આકારણી કરવામાં આવી છે. તપાસમાં સૌથી ચોંકાવનારી સ્થિતિ રાજકોટ શહેરની છે.
જામનગર સર્કલમાં 17.84% જોડાણોમાં વીજ ચોરી નોંધાઈ
રાજકોટમાં વીજ ટીમોએ તપાસેલા દર 100 માંથી 21 જોડાણ એટલે કે 21.37% માં ગેરરીતિ મળી છે. જે સૌરાષ્ટ્રમાં સૌથી વધુ છે. ત્યાર બાદ ભાવનગર સર્કલમાં 18.26% અને જામનગર સર્કલમાં 17.84% જોડાણોમાં વીજ ચોરી નોંધાઈ છે. બોટાદમાં પણ સ્થિતિ ચિંતાજનક છે, ત્યાં ૧૫.૮% જોડાણોમાં ચોરી પકડાઈ છે. અમરેલીમાં આ પ્રમાણ 14.59% રહ્યું છે. સામાન્ય રીતે ગ્રામ્ય વિસ્તારોમાં ચોરી વધુ થતી હોવાની માન્યતાથી વિપરીત આ વખતે શહેરી વિસ્તારોમાં વધુ ચોરી જોવા મળી છે. રાજકોટ ગ્રામ્યમાં ચોરીનું પ્રમાણ માત્ર 11.66% રહ્યું છે, જ્યારે રાજકોટ શહેરમાં તે લગભગ બમણું છે.
