હાઈકોર્ટ દ્વારા ટ્રાફિક નિયમ ભંગને લઈને વારંવાર ટકોર કરવામાં આવે છે.જેના પગલે સુભાષબ્રિજ, વસ્ત્રાલ, બાવળા અને ગાંધીનગર આરટીઓમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવ, રોંગ સાઈડ, ફેટલ કરનાર 215 વાહન ચાલકોના 3થી 6 મહિના લાઈસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.ટ્રાફિક નિયમના ભંગ બદલ છેલ્લા ચાર મહિનામાં અમદાવાદ ગાંધીનગરમાં 350માંથી 215 વાહન લાઈસન્સ સસ્પેન્ડ કરાયા છે.જ્યારે 135 સસ્પેન્ડ લાઈસન્સની અરજી સંબંધિત જિલ્લા અને રાજ્યને ટ્રાન્સફર કરાઈ છે.

ડેન્જરસ ડ્રાઈવિંગ કરનાર વાહન ચાલકોનો સમાવેશ

ટ્રાફિક પોલીસ દ્વારા ઓવરસ્પીડ, ડ્રીંક એન્ડ ડ્રાઈવ, અકસ્માત અને રોંગ સાઈડ વાહનો દોડાવતા નબીરાઓને ઝડપીને મેમો ઈસ્યુ કરાય છે અને તેમનું લાઈસન્સ સસ્પેન્ડ કરવા આરટીઓ ઓથોરિટીને જાણ કરવામાં આવે છે.જેના આધારે આરટીઓ કચેરીમાં સુનાવણી થાય છે અને સુનાવણી બાદ 3થી 6 મહિના સુધી લાઈસન્સ સસ્પેન્ડ કરાય છે. સસ્પેન્ડ લાઈસન્સમાં સૌથી વધુ રોંગસાઈડ અને ડેન્જરસ ડ્રાઈવિંગ કરનાર વાહન ચાલકોનો સમાવેશ થાય છે.ગત માર્ચથી ઓગસ્ટ સુધીના ચાર મહિનાના ડેટા જોઈએ તો 46 વાહન ચાલકો રોંગ સાઈડમાં હંકારતા પકડાયા હતાં.ડ્રીંક એન્ડ ડ્રાઈવના 48 કેસ નોંધાયા છે.જેમાં અન્ય જિલ્લા અને રાજ્યમાંથી પણ પકડાયેલા કેસોનો સમાવેશ થાય છે.દારૂ પીને ડ્રાઈવ કરનાર સામે હજી સખત કાર્યવાહી કરવા માંગ પણ ઉઠી છે. 

હેલ્મેટ ભંગના કિસ્સામાં પણ લાઈસન્સ સસ્પેન્ડ

સસ્પેન્ડ લાઈસન્સની મર્યાદા એકથી ત્રણ વર્ષ અથવા તો કાયમી લાઈસન્સ સસ્પેન્ડ થાય તેવો પૂર્વ અધિકારીઓએ મત વ્યક્ત કર્યો છે.આ સિવાય હેલ્મેટ વગર 28 વાહન ચાલકોના લાઈસન્સ સસ્પેન્ડ કરી દેવાયા છે.રસ્તા પર ટુ-વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ નહીં પહેરવાના નિયમનો 3 વખત ભંગ કરાય તેવા કિસ્સામાં ચાલકને પોતાના વાહનનું લાઈસન્સ ગુમાવવું પડે છે.ડેન્જર ડ્રાઈવ હેઠળ 94 અને ઓવરસ્પીડ ચલાવનાર 4 વાહન ચાલકોના લાઈસન્સ સસ્પેન્ડ કરાયા છે.આમ છતાં કેટલાક વાહન ચાલકોની હજી સ્પીડ ઓછી થતી નથી.સૌથી વધુ ફેટલના નાના મોટા ગુનામાં 159 લાઈસન્સ સસ્પેન્ડ કરાયા છે.જ્યારે ટ્રાફિક નિયમન ભંગ કે વાયોલેન્સ હેઠળ એક લાઈસન્સ સસ્પેન્ડ કરાયું છે.ગત મેથી ઓગસ્ટ માસ સુધીમાં સૌથી વધુ સુભાષબ્રિજ આરટીઓમાં 123માંથી 69, વસ્ત્રાલમાં 66માંથી 47, બાવળામાં 43માંથી 43 અને ગાંધીનગર આરટીઓમાં 118માંથી 56 વાહન ચાલકોના લાઈસન્સ સસ્પેન્ડ કરાયા છે. 

તબક્કાવાર ત્રણ નોટિસ ફટકારાય છે

જ્યારે સુભાષબ્રિજમાંથી 54,વસ્ત્રાલમાંથી 19 અને ગાંધીનગર આરટીઓમાંથી 62 લાઈસન્સ અન્ય જિલ્લા કે રાજ્યની સંબંધિત આરટીઓને સસ્પેન્ડ માટે ટ્રાન્સફર કરાયા છે.તમામને પ્રથમ નોટિસ ઇસ્યુ કરાયા બાદ તબક્કાવાર ત્રણ નોટિસ ફટકારાય છે.આ પછી રૂબરૂ સુનાવણી બાદ વાહન માલિકોના 3 મહિનાથી લઇ 6 મહિના સુધી લાઈસન્સ સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરાય છે.સુનાવણીમાં વાહન ચાલક ના આવે તો આરટીઓ તરફથી એક તરફી નિર્ણય લઇ લેવાય છે. ગુજરાતના અન્ય જિલ્લા કે રાજ્યના અમદાવાદ કે ગાંધીનગરમાં પકડાયેલા અથવા સ્થાનિક આરટીઓના અન્ય સ્થળે પકડાયેલા લાઈસન્સ ધારકોના લાઈસન્સ સસ્પેન્ડ માટે સબંધિત આરટીઓને મોકલાય છે અને ત્યાંની આરટીઓમાંથી સસ્પેન્ડની કાર્યવાહી માટે અહીં લાઈસન્સ મોકલાય છે.

આ પણ વાંચોઃ Ahmedabad News: કોમનવેલ્થ ગેમ્સના યજમાન અમદાવાદમાં કરોડોના આંધણ પછી પણ સાયકલ ટ્રેક ગાયબ