રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની 31784 સરકારી પ્રાથમિક શાળાના શિક્ષક અને વિદ્યાર્થીઓનું વિદ્યાર્થી સંખ્યા સાથેનું મહેકમ જાહેર પ્લેટફોર્મ પર મૂક્યું છે. અત્યાર સુધીમાં શિક્ષકોની બદલીના કેમ્પમાં મંજૂર મહેકમ અને ખાલી જગ્યાની વિગતો એકત્ર કરવામાં ભારે વિલંબ થતો હતો.જોકે હવે તમામ પ્રક્રિયા જ પેપરલેસ કરી દેવામાં આવી છે.જેના કારણે, તમામ શિક્ષકો તેમજ કોઈપણ વ્યક્તિ ઓનલાઇન જ જિલ્લાવાઈઝ ફરજ બજાવતા શિક્ષકો અને ખાલી જગ્યાની વિગતો જાણી શકશે. હાલની સ્થિતિએ રાજ્યના 49.01 લાખ બાળકોને ભણાવવા માટે 201458 શિક્ષકોની જરૂરિયાત સામે 175839 ફરજ બજાવે છે જ્યારે 25919 શિક્ષકોની ઘટ જોવા મળી છે.સૌથી વધુ બાળમંદિરથી લઈને ધોરણ 1થી 5માં 16525 શિક્ષકોની ઘટ છે. 

શિક્ષકોની વિગતો એકત્ર કરવાની સૂચના કરવામાં આવી હતી

7 ઓગસ્ટ સુધીમાં જિલ્લાઓ વાંધા રજૂ કરી શકશે, 10મીએ ફાઈનલ યાદી જાહેર થઈ જશે.રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાના શિક્ષકોનું મહેકમ દર વર્ષે 31 જુલાઈની સ્થિતિએ મંજૂર કરવાની જોગવાઈ કરવામાં આવેલ છે.જે અંતર્ગત સેટઅપ તૈયાર કરવા માટે ચાઈલ્ડ ટ્રેકિંગ પોર્ટલમાંથી વિદ્યાર્થીઓની સંખ્યા અને ટીચર્સ પોર્ટલ પરથી શિક્ષકોની વિગતો એકત્ર કરવાની સૂચના કરવામાં આવી હતી.આ વિગતોના આધારે પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળાના શિક્ષકોનું કામચલાઉ મહેકમ સમગ્ર શિક્ષાની વેબસાઈટ પર જાહેર કરવામાં આવ્યું છે.

આ નિર્ણયથી બદલીઓની પ્રક્રિયામાં ખૂબ મોટી પારદર્શિતા આવશે

શિક્ષણ વિભાગે જાહેર કરેલી વિગતો મુજબ, હાલમાં 31784 શાળામાં 4901380 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.જેમાં બાળમંદિરમાં 494001,ધોરણ 1થી 5માં 2934621 અને ધોરણ 6થી 8માં 1772758 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેની સામે 175839 શિક્ષકો ફરજ બજાવે છે અને 25619 શિક્ષકોની ઘટ છે.ધોરણ કેટલીક સ્કૂલોમાં જરૂરિયાત કરતાં વધુ શિક્ષકો હોવાની પણ વિગતો સામે આવી છે.જેમાં ધોરણ 1થી 5માં 1903, ધો.6થી 8માં 685 અને 323 IHTAT આચાર્યો વધમાં છે.શિક્ષણ વિભાગના આ નિર્ણયથી બદલીઓની પ્રક્રિયામાં ખૂબ મોટી પારદર્શિતા આવશે એવો ઉચ્ચ અધિકારીઓનો દાવો છે.ઉલ્લેખનીય છે કે, શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરેલ કામચલાઉ યાદી સામે વિસંગતતા કે ક્ષતિ જણાય તો જિલ્લાના શિક્ષણાધિકારીઓએ આગામી તા.7 ઓગસ્ટના રોજ યોજાનાર બેઠકમાં પુરાવા સહિતની વિગતો રજૂ કરવાની રહેશે.

આખરી મહેકમ મંજૂર કરી દેવામાં આવશે

10 ઓગસ્ટના રોજ આખરી મહેકમ મંજૂર કરી દેવામાં આવશે. એ પછી જો કોઈ ભૂલ જણાશે તો તેની તમામ જવાબદારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની રહેશે.એચટાટ આચાર્યની કુલ 12328 જગ્યા સામે 5193 જગ્યા ખાલી પડી છે. જેમાં 6 જિલ્લામાં HTAT આચાર્યની ઘટ હોવાનું શિક્ષણ વિભાગે જાહેર કરેલા ડેટા પરથી જાણવા મળે છે.દાહોદમાં 833 જગ્યા સામે માત્ર 263 જ એચટાટ આચાર્ય ફરજ બજાવે છે. એવી જ રીતે કચ્છમાં 570 જગ્યા સામે 186, મોરબીમાં 268 જગ્યા સામે 112, નર્મદામાં 108 જગ્યા સામે 48, પંચમહાલમાં 529 જગ્યા સામે 236 અને વાવ-થરાદમાં 425 જગ્યા સામે 194 એચટાટ આચાર્ય ફરજ બજાવી રહ્યા છે.

આ પણ વાંચોઃ Gujarat Weather News: સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય, ગાજવીજ અને પવન સાથે વરસાદની આગાહી