રાજ્યમાં આયુર્વેદ અને હોમિયોપેથી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ચાલી રહેલી પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં પ્રવેશ છોડી રહ્યા હોવાનું સામે આવ્યું છે. પ્રવેશ નિયમોની કડકાઈ અને પ્રવેશ મેળવ્યા બાદ તેને છોડી દેવાના કારણે વિદ્યાર્થીઓને મોટો આર્થિક ફટકો પડી રહ્યો છે.તાજેતરના આંકડા મુજબ,આયુર્વેદ અને હોમિયોપેથી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવ્યા બાદ પ્રવેશ કન્ફર્મ ન કરાવનારા અથવા પ્રવેશ રદ કરનારા વધુ 261 વિદ્યાર્થીઓની કુલ રૂ.26.10 લાખની સિક્યોરિટી ડિપોઝિટ જપ્ત કરવામાં આવી છે.
પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ ડિપોઝિટ જમા કરાવવી પડે છે
મેડિકલ અને ડેન્ટલ અભ્યાસક્રમોની માફક જ આયુર્વેદ અને હોમિયોપેથીમાં પણ પ્રવેશ માટે રજિસ્ટ્રેશન વખતે વિદ્યાર્થીઓએ સિક્યોરિટી ડિપોઝિટ પેટે રૂ.10000 જમા કરાવવાના હોય છે.પ્રવેશ સમિતિના નિયમો અનુસાર, પ્રથમ રાઉન્ડમાં વિદ્યાર્થીઓને કોલેજ ફાળવ્યા બાદ પ્રવેશ ન લેવાની કે પ્રવેશ મેળવ્યા પછી પણ તેને રદ કરવાની છૂટ આપવામાં આવે છે.જો કે,બીજા રાઉન્ડથી નિયમો કડક બને છે અને કોલેજ એલોટ થયા પછી વિદ્યાર્થી માટે પ્રવેશ મેળવવો ફરજિયાત બની જાય છે. જો કોઈ વિદ્યાર્થી આ તબક્કે પ્રવેશ લેવાનો ઈનકાર કરે અથવા પ્રવેશ રદ કરાવે તો નિયમ મુજબ તેની સિક્યોરિટી ડિપોઝિટ જપ્ત કરવામાં આવે છે.
