અમદાવાદ શહેરમાં મેટ્રો ટ્રેન હવે લોકો માટે એક લાઈફ લાઈન સમાન બની ગઈ છે. રોજબરોજ મેટ્રોમાં મુસાફરોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. મેટ્રોની આવકમાં પણ વધારો થઈ રહ્યો છે. ક્રિકેટ મેચ હોય કે મોટો કોન્સર્ટ હોય લોકો અવર જવર માટે મેટ્રો ટ્રેનને વધુ મહત્વ આપી રહ્યાં છે. ત્યારે આવક વધી હોવા છતાં શરમજનક બાબત સામે આવી છે. શહેરના મેટ્રો સ્ટેશનોનો કરોડોનો મિલકત વેરો હજી વસૂલી શકાયો નથી. 

વસૂલાતનો મામલો કાનૂની પ્રક્રિયામાં અટવાઈ ગયો

અમ્યુકોના પ્રોપર્ટી ટેક્સ વિભાગ દ્વારા સામાન્ય કરદાતાનો રૂ.25 કે 50 હજાર પણ પ્રોપર્ટી ટેક્સ ભરવાનો બાકી હોય તો તેને નોટિસ આપ્યા વિના તેની મિલકત સીલ કરવા સુધીની કામગીરી કરવામાં આવી છે.જ્યારે બીજી તરફ શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા મેટ્રો સ્ટેશનોનો અંદાજે રૂપિયા 40 કરોડનો બાકી મિલકત વેરો કોર્પોરેશનના પ્રોપર્ટી ટેક્સ વિભાગ દ્વારા વસૂલી શકાતો નથી.કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા મેટ્રો સ્ટેશનની મિલકતના વપરાશ માટે ફેક્ટર 7 લગાવવામાં આવતા કરોડો રૂપિયાની બાકી પ્રોપર્ટી ટેક્સની વસૂલાતનો મામલો કાનૂની પ્રક્રિયામાં અટવાઈ ગયો છે.

હાઈકોર્ટે દ્વારા કોર્પોરેશન તંત્રને ફટકાર લગાવવાઈ હતી

AMC અને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન વચ્ચે મેટ્રો સ્ટેશનોના કરોડો રૂપિયાના બાકી પ્રોપર્ટી ટેક્સની વસૂલાતને લઈ લાંબા સમયથી કાયદાકીય વિવાદ ચાલી રહ્યો છે. 

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં આવેલી મેટ્રોની પ્રોપર્ટી ઉપર લગાવવામાં આવેલા પ્રોપર્ટી ટેક્સને લઈ મેટ્રો સત્તાવાળાઓનું કહેવું હતું કે, મેટ્રો એ જાહેર પરિવહન અને કેન્દ્ર અને રાજ્ય સરકારનો સંયુક્ત પ્રોજેક્ટ હોવાથી તેને ટેક્સમાં વિશેષ રાહત મળવી જોઈએ.કોર્પોરેશન તરફથી બાકી પ્રોપર્ટી ટેક્સ વસૂલવા માટે કરવામાં આવેલી કાર્યવાહીને લઈ ગુજરાત હાઈકોર્ટે દ્વારા કોર્પોરેશન તંત્રને ફટકાર લગાવવાઈ હતી અને નિયમ મુજબ યોગ્ય નિકાલ કરવા આદેશ આપ્યો હતો.

2026માં અમદાવાદ મેટ્રોએ 53.06 લાખ મુસાફરોની સંખ્યા નોંધાવી

ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બર 2026માં અમદાવાદ મેટ્રોએ 53.06 લાખ મુસાફરોની સંખ્યા નોંધાઈ હતી.તે ઓગસ્ટ 2026ના રેકોર્ડબ્રેક 54.29 લાખ મુસાફરો પછી બીજા ક્રમે સૌથી વધુ મુસાફરો ધરાવતો મહિનો રહ્યો છે.જેની આવક 6.81 કરોડ હતી. ઓક્ટોબર 2022 થી સપ્ટેમ્બર 2026સુધીમાં મેટ્રોને ₹194.93 કરોડની આવક થવા પામી છે. તે છતાંય શહેરમાં મેટ્રો સ્ટેશનોનાં મિલકત વેરા વસૂલવામાં વિલંબ કેમ થઈ રહ્યો છે તે સવાલ ચર્ચાની એરણે છે. 

આ પણ વાંચોઃ Dahod: સિંગવડના ચૂંદડી ગામે ગેરકાયદે ક્વાર્ટ્ઝનું ખનન કરતાં છ વાહનો જપ્ત