સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 138.48 મીટર પહોંચી ગઈ છે.ડેમની મહત્તમ જળ સપાટીથી હવે માત્ર 19 સેન્ટીમીટર જ દૂર છે એટલે કે આ સીઝનમાં સપ્ટેમ્બર મહિનામાં સરદાર સરોવર નર્મદા ડેમ થોડા દિવસોમાં છલોછલ ભરાશે.સરદાર સરોવર નર્મદા ડેમમાં ગુરુવારે પાણીની સરેરાશ આવક 6518 ક્યુસેક નોંધાઈ છે.છેલ્લા કેટલાક કલાકોની સરેરાશ આવક હાલની આવક કરતાં નોંધપાત્ર વધુ રહી છે.ત્યારે આવનારા એક બે દિવસની અંદર જ સરદાર સરોવર નર્મદા ડેમ સંપૂર્ણ ભરાઈ જશે.
સરદાર સરોવર ડેમનું જળસ્તર 138.48 મીટર છે
કેનાલ હેડ પાવર હાઉસ ચલાવવામાં આવતા 9022 ક્યુસેક પાણી પ્રવાહ કેનાલ તરફ જાય છે.બીજી તરફ સરદાર સરોવર નર્મદા ડેમનું રિવર બેડ પાવર હાઉસ બંધ કરી દેવામાં આવ્યું છે જેના કારણે તેમાંથી કોઈ પાણી ડિસ્ચાર્જ થતું નથી આમ,હાલ સરદાર સરોવર ડેમનું જળસ્તર 138.48 મીટર છે અને ડેમમાં નોંધપાત્ર જીવંત જળસંગ્રહ ઉપલબ્ધ છે.પાણીની આવક,પાવર હાઉસ મારફતે થતો નિકાલ તથા ડેમના ગેટની સ્થિતિને ધ્યાનમાં રાખીને ડેમના જળસ્તરની સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.
કુલ 207 ડેમમાં 82.04% જેટલો પાણીનો જથ્થો
24 સપ્ટેમ્બરની સ્થિતિએ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં આવેલા કુલ 207 ડેમમાં પાણીના સંગ્રહની સ્થિતિ ઉત્સાહજનક જોવા મળી રહી છે.આંકડાઓ અનુસાર, રાજ્યના કુલ ડેમોમાં સરેરાશ 82.04% જેટલો પાણીનો કુલ જથ્થો ભરાયેલો છે.દક્ષિણ ગુજરાતના ડેમોમાં સૌથી વધુ 84.91% પાણી ભરાયેલું છે.જ્યારે મધ્ય ગુજરાતમાં 71.51% અને સૌરાષ્ટ્રના ડેમોમાં 51.78% જળસંગ્રહ નોંધાયો છે.આ ઉપરાંત,ઉત્તર ગુજરાતમાં 46.68% અને કચ્છ વિસ્તારમાં 32.06% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવરમાં પાણીની સપાટી 138.46 મીટર સુધી પહોંચી છે અને ત્યાં 99.25% જેટલો જળસંગ્રહ નોંધાયો છે
રાજ્યભરમાં કુલ 32 ડેમ સંપૂર્ણપણે ભરાઈ ગયા
રાજ્યભરમાં કુલ 32 ડેમ સંપૂર્ણપણે ભરાઈ ગયા છે.જ્યારે પાણીની સ્થિતિ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિવિધ ડેમો પર હાઈ એલર્ટ,એલર્ટ કે વોર્નિંગ જેવી ચેતવણીઓ પણ જારી કરવામાં આવી છે.નર્મદા નદી તેમજ અન્ય મુખ્ય ડેમોમાંથી નિયમ પ્રમાણે પાણી છોડવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે.એકંદરે,આ વર્ષે ચોમાસા દરમિયાન સારે પ્રકારે પાણીની આવક થવાથી રાજ્યના જળસ્રોતોમાં મોટો જથ્થો એકત્રિત થયો છે.જે આગામી સમય માટે પાણીની સુરક્ષાની દૃષ્ટિએ ખૂબ જ રાહતજનક છે.
આ પણ વાંચોઃ Gujarat News: પક્ષ પલટુઓની સંપત્તિ ચકાસો, MLA અને MPની કામગીરીના વાર્ષિક અહેવાલ જાહેર થવા જોઈએ