ચૂંટાયેલા સાંસદો અને ધારાસભ્યો તેમના વિસ્તારની કામગીરી અને આવતા વર્ષના આયોજન સંદર્ભે વાર્ષિક અહેવાલ જાહેર કરે તેવી વ્યવસ્થા ગોઠવવા એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ-એડીઆરએ માગણી કરી છે.એડીઆર દ્વારા 2022થી 2026 દરમિયાન ચૂંટણી જીત્યા પછી પક્ષપલટો કરનારા 26 લોકસભા સાંસદો, 7 રાજ્યસભા સાંસદો અને 78 ધારાસભ્યોનું વિશ્લેષણ કરાયું છે.
ગુજરાતના ચાર ધારાસભ્યો સમાવિષ્ટ
આ વિશ્લેષણમાં પક્ષપલટો કર્યા બાદ ફરી ધારાસભામાં ચૂંટાનારા ગુજરાતના ચાર ધારાસભ્યો સમાવિષ્ટ છે.પોરબંદરના અર્જુન મોઢવાડિયા, વિજાપુરના ચતુર જે. ચાવડા,માણાવદરના અરવિંદ લાડાણી અને ખંભાતના ચિરાગ પટેલ આમાં સમાવેશ થાય છે.એડીઆરએ ખાસ કરીને વિધાનસભામાં કે લોકસભામાં સ્પીકરની ભૂમિકા અને પક્ષપલટાવિરોધી જોગવાઈની અસરકારકતા અંગે સવાલો ઉઠાવી માગણી કરી છે કે,રાજીનામું આપી પક્ષ બદલનાર વ્યક્તિ માટે જાહેર પદ મેળવવા ઉપર 6 માસ સુધી પ્રતિબંધ રહે તેવી કાયદાકીય વ્યવસ્થા ગોઠવવી જોઈએ.
નાણાકીય બાબતોમાં પારદર્શિતા લાવવી જોઈએ
પક્ષપલટા અંગે ગેરલાયકાતનો નિર્ણય સ્પીકર નહીં પણ રાષ્ટ્રપતિ કે ગવર્નર કરે તેવી વ્યવસ્થા થવી જોઈએ.રાજકીય પક્ષોને આરટીઆઈ એક્ટ હેઠળ જાહેર સત્તામંડળ તરીકે લાવી તેમની કામગીરી અને નાણાકીય બાબતોમાં પારદર્શિતા લાવવી જોઈએ.પક્ષપલટો કરનારા ચૂંટાયેલા પ્રતિનિધિઓની સંપત્તિમાં થતા ફેરફારોની ચકાસણી થવી જોઈએ તથા એમની સામેના કેસોનો ઝડપી નિકાલ થવો જોઈએ.એડીઆરએ એવી પણ માગણી કરી છે કે,રાજકીય ડોનેશન આપનારાની ઓળખ,રકમ તથા તેઓ કોને દાન આપે છે તેની માહિતી વધુ પારદર્શક રીતે બહાર આવવી જોઈએ.
પક્ષપલટો ભારતીય રાજકારણમાં એક ચિંતાજનક પ્રવાહ
આ આંકડાઓ દર્શાવે છે કે ચૂંટણી જીત્યા બાદ જનતાના જનાદેશ સામે પક્ષપલટો કરવો એ ભારતીય રાજકારણમાં એક ચિંતાજનક પ્રવાહ બન્યો છે.ખાસ કરીને ગુજરાતમાં પણ આ બાબતની વ્યાપક અસર જોવા મળી છે.રાજકીય પક્ષોને માહિતી અધિકાર અધિનિયમ હેઠળ લાવવા, પક્ષપલટો કરનાર નેતાઓની સંપત્તિમાં થતા અસાધારણ ફેરફારોની તપાસ કરવા તથા રાજકીય ડોનેશન અને ફંડિંગમાં સંપૂર્ણ પારદર્શિતા લાવવા માટે કાયદાકીય સુધારાઓ કરવાની જોરદાર હિમાયત કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Rahul Gandhi on CEC: ચૂંટણી પ્રણાલીને બરબાદ કરી દીધી, જ્ઞાનેશ કુમાર તરત રાજીનામું આપે : રાહુલ ગાંધી